પોરબંદરઃ 17 એપ્રિલના રોજ માધવપુરના ઐતિહાસિક મેળાનો શુભારંભ રાજ્યપાલ આચાર્ય દેવતના હસ્તે કરવામાં આવ્યો છે. આ મેળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાઈ રહ્યા છે. મેળાના મુલાકાતીઓમાં 'મંગલ માધવપુર' નામક પ્રસ્તુતિએ પ્રમુખ આકર્ષણ જમાવ્યું છે. 225 કલાકારો દ્વારા શ્રી કૃષ્ણ અને રુકમણિ વિવાહ પ્રસંગની ઓડિયો વિઝ્યુલ પ્રસ્તુતિ કરવામાં આવી રહી છે.
'મંગલ માધવપુર' વિષયકઃ તિહાઈ-ધી મ્યુઝિક પીપલ ગ્રુપના શો ડિરેકટર નિસર્ગ ત્રિવેદીના જણાવ્યા અનુસાર અભિલાષ ઘોડાના ડિરેક્શન હેઠળ 225 કલાકારો દ્વારા 'મંગલ માધવપુર' 45-50 મિનિટનું એક થીમ પર્ફોર્મન્સ કરવામાં આવ્યું છે. જેમાં ઓડિયો અને વિઝ્યુલ ઉપરાંત નૃત્ય પ્રસ્તુતિનો સમાવેશ કરાયો છે. આ પર્ફોર્મન્સમાં અમદાવાદ, મુંબઈ, પોરબંદર, જૂનાગઢ ઉપરાંત નોર્થ ઈસ્ટ ઈન્ડિયાના અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, નાગાલેન્ડ મિઝોરમ અને આસામના કલાકારો પણ ભાગ લીધો છે. વિવિધ પ્રદેશના સાંસ્કૃતિક નૃત્યને આવરી લેવામાં આવ્યા છે.
![મનોરમ્ય પ્રસ્તુતિ એટલે 'મંગલ માધવપુર'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-04-2024/_18042024165259_1804f_1713439379_809.jpg)
શ્રી કૃષ્ણ અને રૂકમણિના વિવાહની ઝાંખીઃ માધવપુર ગામ કે જ્યાં શ્રીકૃષ્ણ આસામથી રુકમણિનું હરણ કરીને લાવ્યા હતા. આ એક માઈથોલોજીકલ લવ સ્ટોરી રૂકમણિના પાત્રથી શરુ થાય છે. શ્રી કૃષ્ણ શિશુપાલ સાથે યુદ્ધ કરી રૂકમણિનું હરણ કરી માધવપુર લાવે છે. અહીં તેમના વિવાહ પ્રસંગ ઉજવણીની આબેહૂબ રજૂઆત કરાઈ છે. લગભગ 2017થી એટલે કે 7 વર્ષથી આ પર્ફોર્મન્સ રજૂ કરવામાં આવે છે. મને તથા મારી ટીમને ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે તેમ નિસર્ગ ત્રિવેદીએ જણાવ્યું હતું.
![મનોરમ્ય પ્રસ્તુતિ એટલે 'મંગલ માધવપુર'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-04-2024/_18042024165259_1804f_1713439379_363.jpg)
મનમોહક પર્ફોર્મન્સઃ 225 કલાકારો દ્વારા 'મંગલ માધવપુર'નું સુંદર રજૂઆત કરવામાં આવે છે. જેમાં ઉત્તર-પૂર્વ ભારતની 4 ટીમનો પણ સમાવેશ છે. જેમાં મહેર જ્ઞાતિના મણિયારા રાસ તથા તલવારબાજીની પ્રસ્તુતિ પણ જોવા મળે છે. આ ઉપરાંત ગુજરાતી ગરબા, અરુણાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા અને નાગાલેન્ડના નૃત્ય પણ રજૂ કરવામાં આવે છે. વિવિધતામાં એકતા ધરાવતો ભારત દેશ સાક્ષાત માધવપુરમાં સંસ્કૃતિનું સંગમ બન્યો હોય તેવો ભાસ થાય છે. આ પર્ફોર્મન્સ દર્શકોને 45 મિનિટ સુધી જકડી રાખે છે કારણ કે, તેમાં શ્રી કૃષ્ણ અને રુકમણિ વિવાહ પ્રસંગની દિવ્ય અનુભૂતિ થાય છે.
![મનોરમ્ય પ્રસ્તુતિ એટલે 'મંગલ માધવપુર'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/18-04-2024/_18042024165259_1804f_1713439379_678.jpg)
શું કહે છે કૃષ્ણનું પાત્ર ભજવતા અભિનેતા?: આ પ્રસ્તુતિમાં કૃષ્ણનું પાત્ર સિંદ્ધાંત ઝીંઝુવાડિયાએ ભજવ્યું છે. સિદ્ધાંતે જણાવ્યું હતું કે, આ રોલ મેં બીજીવાર ભજવ્યો છે. જ્યારે હું કૃષ્ણનો રોલ ભજવતો હોઉં છું ત્યારે એક અલગ અનુભૂતિ થતી હોય છે. મારા હાવ-ભાવ વિચારોમાં પણ અલગ જાતનો બદલાવ આવે છે. ઘણીવાર તમે પાત્ર સીલેક્ટ નથી કરતા પણ પાત્ર તમને સીલેક્ટ કરે છે. આ મારી સ્ટોરીમાં લાગે છે શ્રી કૃષ્ણએ પોતાના પાત્ર તરીકે મને સીલેક્ટ કર્યો છે.
શું કહે છે રુકમણિનું પાત્ર ભજવતા અભિનેત્રી?: 'મંગલ માધવપુર'માં રુકમણિનું પાત્ર બ્રિન્દા ત્રિવેદીએ ભજવ્યું છે. બ્રિન્દાએ જણાવ્યું હતું કે, આખી ઇવેન્ટનો એક ભાગ બનતા મને ખૂબ જ મજા આવી છે. આજે રુકમણિનું પર્ફોર્મન્સ કરી રહી છું ત્યારે મને રુકમણિજીએ અનુભવેલ અનુભૂતિ થઈ રહી છે. આ એક યુનિક લવ સ્ટોરી છે. રુકમણિ શ્રીકૃષ્ણને ક્યારેય મળ્યા નહોતા માત્ર પત્ર વ્યવહારથી જ બંને જોડાયેલા હતા. રુકમણિના આ પાત્ર ભજવતા મને ખૂબ જ ધન્યતા પ્રાપ્ત થઈ છે.