પોરબંદર : લોકસભાની ચૂંટણી પહેલા પક્ષપલટાની મોસમ ખીલી છે. કોંગ્રેસના દિગગજ નેતા અર્જુન મોઢવાડિયાએ ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો તે સાથે જ રાજનીતિમાં પરિવર્તનનો દોર શરૂ થયો છે. ત્યારબાદ તેમના નાનાભાઈને કોંગ્રેસ પાર્ટીએ છ વર્ષ માટે સસ્પેન્ડ કરતા કોંગ્રેસ કાર્યકર્તાઓ રોષે ભરાયા હતા. આ સાથે જ પોરબંદર જિલ્લા પ્રમુખ સહિત અનેક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં રાજીનામું આપ્યું છે. પોરબંદરમાં કોંગ્રેસના સુપડા સાફ થયા હોય તેઓ માહોલ સર્જાયો છે.
કોંગ્રેસ જિલ્લા પ્રમુખનું નિવેદન : પોરબંદર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ અત્યારે નેસ્તનાબૂદ થવા જઈ રહ્યો છે. એવી પરિસ્થિતિ ઊભી થવા છતાં કોંગ્રેસ પક્ષના લીડરો જાગૃત થતા નથી. અર્જુન મોઢવાડિયા કે જેમણે તન, મન અને ધન કોંગ્રેસને સમર્પિત કર્યા હતા, તેઓને પણ કોંગ્રેસ સાચવી શક્યું નહીં. પોરબંદરના વિકાસ માટે અર્જુનભાઈએ રાજીનામું આપ્યું અને ભાજપમાં જોડાઈ ગયા.
કોંગ્રેસ કાર્યકર્તાઓમાં નારાજગી : અર્જુન મોઢવાડિયાના સગાભાઈ કોઈપણ જાતના વિચાર કર્યા વગર સ્થાનિક લેવલે સતત કામ કરતા હતા. પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વાતચીત કર્યા વગર જ રામદેવભાઈને પણ સસ્પેન્ડ કર્યા છે. તેથી પોરબંદર જિલ્લાની કોંગ્રેસ બોડીએ પણ રાજીનામું આપ્યું છે. અન્ય કોંગ્રેસના કાર્યકર્તાઓ આગામી દિવસોમાં મોટી સંખ્યામાં રાજીનામું આપશે તેમ રામભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું.
કોંગ્રેસના સુપડા સાફ ? કોંગ્રેસ જિલ્લા પ્રમુખ રામભાઈ ઓડેદરા, કાર્યકારી શહેર પ્રમુખ અને જિલ્લા યુવા પ્રમુખ ધર્મેશ પરમાર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ કોંગ્રેસની નીતિ રીતિ સામે નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. હવે પોરબંદર જિલ્લાના ગામડાઓમાં બાકી બચેલા કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનો કોંગ્રેસમાંથી રાજીનામુ આપી રહ્યા છે. ઉપરાંત આ તમામ કાર્યકર્તાઓ આગામી સમયમાં ભાજપમાં જોડાય તેવી પૂરી સંભાવના છે.