પોરબંદરઃ એક કહેવત છે જ્યાં લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે આ ખરેખર સાચી કહેવત છે. રૂપિયાની લાલચ અને લોભ લોકોને ગેર માર્ગે દોરે છે અને અંતે ધૂતારાઓના ચુંગાલમાં આવીને અનેક લોકો રૂપિયા ગુમાવે છે. પોરબંદરમાં એક એવો જ બનાવ બન્યો જેમાં એક સોની વેપારીને માત્ર સોનું ચેક કરવા માટે જયપુર લઈ જવાયો અને ત્યાં તેનું અપહરણ કરી ખંડણીની રકમ મંગાઈ 20 લાખ રૂપિયાના સામે પિતાને છોડાવવા પુત્રને જહેમત કરવાની થઈ અને છુટ્યા પછી પોરબંદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે આરોપીને ઝડપી લીધા અને આરોપીના અનેક રહસ્યો ખુલ્લા પડ્યા.
કેવી રીતે બની સોની સાથે ઘટનાઃ તો સમગ્ર ઘટનાની પોલીસ ચોપડે નોંધાયેલી ફરિયાદ કાંઈક એવી છે કે, પોરબંદરના એક સોની વેપારી પ્રતાપભાઈ પાલા જેમની પાસે તારીખ 18 ઓક્ટોબરના રોજ પોરબંદર જિલ્લાના મહીડા ગામનો પ્રતાપ ઓડેદરા નામનો શખ્સ આવ્યો અને જણાવવું કે આપણે જયપુર સોનું જોવા જવાનું છે, સાચું છે કે નકલી? તે પરખ કરીને પરત આવવાનું છે. પાર્ટી તમામ ખર્ચ ઉપાડશે આથી પ્રતાપભાઈ સોની તૈયાર થઈ ગયા અને 19 ઓક્ટોબરના રોજ પ્રતાપભાઈ પાલા તથા પ્રતાપ ઓડેદરા, લક્ષ્મણ અને વેજાભાઈ ત્રણ લોકો કારમાં પોરબંદરથી નીકળ્યા. ગાંધીનગરથી ભરત મનજી લાઠીયા નામનો વ્યક્તિ તેમની સાથે બેઠો અને અન્ય બે જણા પણ સાથે હતા. આમ કુલ છ જણા અમદાવાદથી નીકળી 9 વાગ્યે નાથદ્વારા દર્શન કરી નાથદ્વારાથી 100 કિલોમીટર દૂર અજાણી જગ્યાએ પહોંચ્યા. જ્યાં ભરત નામનો શખ્સ ગાડી લઈ ગયો અને ત્યાં જયપુર તરફ અવાવરું સ્થળે બંધ મકાનમાં ત્રણેયને બાંધી અને મોબાઈલ આંચકી લે છે, અને બીજા પાંચેક શખ્સો આવે છે, તેમને માર મારે છે. સસ્તું સોનું ક્યાંય નહીં મળે તેમ કહી તારા દીકરાને ફોન કર અને 20 લાખ માંગ અને કહેવાનું છે કે સોનુ લઈ લીધું છે. તેવી સૂચના શખ્સો પાસેથી મળી. પ્રતાપભાઈના દીકરાએ 21 તારીખે પીએમ આંગડિયા દ્વારા અઢી લાખ અને ત્યારબાદ બીજા દિવસે 22 તારીખે 17.50 લાખ નિયમ આંગડિયા મારફતે મોકલી આતા આમ કુલ 20 લાખ મોકલ્યા બાદ પ્રતાપભાઈ સોનીને ટ્રાવેલ્સમાં અપહરણકર્તાઓએ એકલા બેસાડી દીધા અને ત્યારબાદ પોરબંદર આવ્યા હતા અને પ્રતાપભાઈ સાથે રહેલા બે અન્ય શખ્સો પણ અલગ રસ્તેથી પોરબંદર પહોંચ્યા હતા. જ્યારે ત્રણેય મળ્યા ત્યારે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી અને કીર્તિ મંદિર પોલીસ સ્ટેશન આ અપહરણ કરતાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ગુનો દાખલ કરી પ્રતાપ અરસી ઓડેદરા અને રામજી કટારીયાની ધરપકડ કરી હતી અને ઇન્ટ્રોગેશનમાંથી અન્ય મુખ્ય આરોપી ભરત મનજી લાઠીયાનો રોલ જોવા મળ્યો હતો. જેને પકડવા માટે એલસીબીને તપાસ સોંપાઈ હતી અને પોરબંદર એલસીબીએ ભરત સહિત પાંચ સાથીદારોની ધરપકડ કરી હતી.
માસ્ટર માઈન્ડ ભરત અલગ અલગ આધાર કાર્ડ ધરાવતો હતોઃ સમગ્ર બાબતમાં ઝડપાયેલા મુખ્ય આરોપી ભરત મનજી લાઠીયા ભાવનગર જિલ્લાના પાલીતાણાના આકોલવાડીનો રહેવાસી છે. જે ઘણા સમયથી નેપાળમાં તેની બીજી પત્ની સાથે રહેતો હતો. ભરત વિરુદ્ધ સાત જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. જેમાં ખૂન, ખંડણી, લૂંટ જેવા ગુનામાં નાસ્તો કરતો હતો. અલગ અલગ છ નામ રાખતો હતો. જેમાં ભરત ઉર્ફે ગુરુ ભાનુપ્રતાપ, ભાર્ગવ જાની અને ભાર્ગવ જૈન એમ ભરત પાસેથી અલગ અલગ ત્રણ આધાર કાર્ડ મળી આવ્યા હતા. જેમાં અગ્રવાલ બીરમાનંદ મુરાલી લાલ નામનું કાર્ડ તથા સવાણી ભાર્ગવ મનહરલાલ નામનું કાર્ડ અને ભરત મનજી લાઠીયા નામનું કાર્ડ મળી આવ્યું છે.
સસ્તુ સોનું, સસ્તા હીરા, જાદુઈ શંખ, નગ્ન ચશ્મા તથા હની ટ્રેપમાં 150 થી વધુ લોકોને ફસાવ્યા: શાતીર દિમાગ શખ્સ ભરત સામે સાત ગુનાઓ નોંધાયેલા છે અને તેના સાથીદાર રામજી જીણા કટારીયા, પોપટ અરશી ઓડેદરા (મહીડા રાણાવાવ), પ્રતાપ અરશી ઓડેદરા (મહીડા રાણાવાવ), નરેન્દ્ર ગિરી મહેશ ગિરી ગોસ્વામી (જેતપુર), અશોક ઉર્ફે લાલી (ગઢડા, બોટાદ), કમલેશ ઉર્ફે ભાણો ઓધવજી જાપટીયા (જસદણ) તથા અન્ય એક આરોપી જેલમાં છે. આ તમામ શખ્સો લોકોને સસ્તુ સોનું, સસ્તા હીરા, જાદુઈ શંખ, નગ્ન ચશ્મા તથા હની ટ્રેપમાં ફસાવતા હતા. જેવી લોકોની લાલચ એવો તેમનો સ્વાંગ, બસ આવા બધા નુસ્ખાઓ કરીને તેઓ તેમને છેતરતા. ઘણાને નેપાળ લઈ જતા હતા અને સમાજમાં બદનામીની બીક બતાવી અનેક લોકોને ટાર્ગેટ કર્યા હતા. તેમાંથી ઘણાએ આ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી નથી. હની ટ્રેપમાં ભરતની બીજી પત્ની જે નેપાળની રહેવાસી છે તેની પણ સંડોવણી પોલીસ તપાસમાં સામે આવી છે.
બે કાર અને 6 ફોન સહિત રોકડ રકમ પોલિસે જપ્ત કરીઃ પોરબંદર પોલીસે આરોપીઓ પાસેથી દસ લાખ જેટલી રોકડ તથા અર્ટિગા કાર અને બીજી નિશાન કંપનીની કાર તથા છ મોબાઈલ ફોન અને ત્રણ આધાર કાર્ડ એક પાનકાર્ડ તથા એક છરી જપ્ત કરી છે. આ શખ્સ એટલો શાતિર હતો કે તેની સાથેની ટુકડીએ સુરત, ગાંધીનગર, બોટાદ, ભાવનગર, બનાસકાંઠા સહિત ઠેરઠેર આ પ્રકારની ઘટનાઓને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોરબંદર પોલીસે લોકોને કરી અપીલઃ પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાએ મીડિયાના માધ્યમથી અપીલ કરી હતી કે, જો કોઈ લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી કે ખંડણી માંગવાનો બનાવ બન્યો હોય તો પોરબંદર પોલીસનો તાત્કાલિક સંપર્ક કરે અને માહિતી આપે. જેથી આરોપીઓ વિરુદ્ધ વધુમાં વધુ કડક કાર્યવાહી કરી શકાય.