પોરબંદર: જિલ્લાના લીમડા ચોક ખાતે શ્રી ભદ્રકાળી માતાજી મંદિરના પરિસરમાં દિવેચા કોળી સમાજ દ્વારા પ્રાચીન સંસ્કૃતિને અનુરૂપ ચલાવાતા ગરબી મંડળને 99 વર્ષ પુરા થઇ આગામી નવરાત્રિમાં 100 વર્ષ પુરા થવાના છે. પરિણામે આ વર્ષ ગરબી મંડળ શતાબ્દી મહોત્સવ ઉજવાશે અને તેના માટે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. 99 વર્ષથી યોજાતી પોરબંદરની અનોખી ગરબીમાં માઈક વિના શ્રીમાતાજીના ગુણગાન ગાવાની પરંપરા આજે પણ જળવાઇ રહી છે. આ ગરબીમાં માત્ર પુરુષો જ રમી શકે છે. ઉપરાંત ગરબી રમનારા પુરુષો એ ટોપી પહેરવી ફરજીયાત છે.
1981માં કોળી સમાજના અગ્રણી દ્વારા શરૂઆત કરવામાં આવી હતી: પોરબંદરની સરકારી રામબા ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ અને હાલમાં ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડા એ એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, મા શક્તિની ઉપાસનાથી માનવ રુદયમાં માનવતા પ્રગટે એવા શુભ હેતુથી દિવેચા કોળી સમાજની ભદ્રકાલી માતાજી ગરબી મંડળની સ્થાપના વિક્રમ સંવત 1981માં કોળી સમાજના અગ્રણી સ્વ. જાદવભાઈ સોલંકી તથા તેમના મિત્રો દ્વારા કરવામાં આવી હતી. સ્વ. જાદવભાઈએ શ્રી ભદ્રકાલી માતાજીના ગરબાની પોતે રચના કરી હતી. સ્વર, તાલ અને લય આ ગરબીમાં જોવા મળે છે. અહીં માત્ર પુરષો જ ગરબી રમે છે. ઉપરાંત કોઈ માઇકનો ઉપયોગ થતો નથી પ્રદૂષણ મુક્ત ગરબી થાય છે.
અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીએ આ ગરબીની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી: ડો. ઈશ્વરભાઈ ભરડા વધુમાં જણાવતા કહે છે કે, આ ગરબી રમનારા પુરુષો માથે મોતી ભરેલી ભાતીગળ વિશિષ્ટ પ્રકારની ટોપી ફરજિયાત પહેરે છે. આ સૌરાષ્ટ્રની અનોખી અને વિશિષ્ટ પ્રકારની ગરબી છે. આ ગરબીમાં ડિસ્કો ધૂનમાં ફાવે તેવા ગીતો વગાડવામાં આવતા નથી. માત્ર ભદ્રકાલી માતાજીના ગરબા વચ્ચે ફરતા કોઈ પણ ગાયક દ્વારા માતાના ગીતો ગવડાવવામાં આવે છે અને પુરુષોએ ફરજીયાત તેને ઝીલી ગરબાની પરંપરા જાળવવાની હોય છે. વર્ષો પહેલા અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીએ આ ગરબીની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી હતી.
પોરબંદરમાં સાસ્કૃતિક વારસાને જાળવી રાખતી અનન્ય ગરબીને 99 વર્ષ પુરા: અહીં સ્ત્રીઓએ ગરબા લેવાની મનાઈ, લાઉડસ્પીકર પણ નહિ, એક ગાયક ગરબા ગાય અને પાંચ પુરુષો ઝીલે છે.
સ્ત્રીઓને ગરબા ગાવા અને રમવાની મનાઈ: આ આદ્યશક્તિના પર્વમાં ભદ્રકાળી માતાજી મંદિરની ગરબીમાં સ્ત્રીઓને ગરબા ગાવાની અને લેવાની મનાઈ છે. ઉપરાંત ગરબીમાં માથું ઉઘાડું પણ ચાલે નહિ. નવાઈની વાત એ છે કે, અહીંયા પુરુષો આજના આધુનિક યુગમાં ટોપી પહેરીને માતાજીના ગરબા રમવાનું ગૌરવ મહેસુસ કરે છે. ગરબીમાં આજે પણ દિવેચા કોળી સમાજ ભદ્રકાલી માતાજી ગરબી મંડળના પ્રમુખ રામજીભાઈ બામણીયાની રાહબરી હેઠળ વિવિધ ભારતીય સંસ્કૃતિના વેષભુષાના પણ ધોરણો જાળવી રાખ્યા છે. રામ-સીતા, શિવ-પાર્વતી, રાધા-ક્રિષ્ન, નારદજી, ગણપતિજી, ભીષ્મ પિતામહ, લવ-કુશ, હનુમાનજી જેવા અનેક દેવ–દેવતાના વેષ પુરુષો ધારણ કરીને માતાજીના ગરબા અન્ય પુરુષો સાથે ગાય છે અને રમે છે. આ વેષભૂષા સાથે રમતા દેવ-દેવતાઓને વાલીઓ પોતાના બાળકોમાં સંસ્કાર ઘડતર થાય તે જોવા માટે બાળકો સાથે પરિવાર ભાગીદાર બને છે.
લાઉડ સ્પીકર રાખવાની મનાઈ: પોરબંદર સૌરાષ્ટ્ર સહીત ગુજરાતના ગૌરવરૂપ સાંસ્કૃતિક વારસાને સાચવતી એક માત્ર ગરબી જાળવવાનું બહુમાન દિવેચા કોળીજ્ઞાતિના આગેવાનો અને યુવા કાર્યકરોના ફાળે જાય છે. આ ગરબીની વિશેષતા એ રહી છે કે, ગરબીમાં લાઉડ સ્પીકર રાખવાની મનાઈ છે. દૈવી શક્તિની ઉપાસનાના ગુણગાન ગાવા અને ગવડાવવા એ આ ગરબીનો મુખ્ય ઉદેશ્ય રહ્યો છે.
સમગ્ર ગુજરાતનું ગૌરવ: સાંદિપની વિદ્યા નિકેતનના પ્રણેતા રાષ્ટ્રીય સંત રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં આ નવરાત્રિનો 75 વર્ષનો અમૃત મહોત્સવ તરીકે ભવ્ય રીત ઉજવાયો હતો. તે સમયે ભાઈશ્રીએ આશીર્વાદ આપ્યા હતા કે, "આ ગરબીનો શતાબ્દી મહોત્સવ ઉજવાય તેવી અભિલાષા સેવું છું" ભાઈશ્રીના આશીર્વાદથી આ વર્ષ ગરબીનો શતાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તેઓ આ ગરબીના અમૃત મહોત્સવ પર આશીર્વાદ આપવા ઉપસ્થિત રહયા હતા. રમેશભાઈ ઓઝાએ તે સમયે જણાવ્યું હતું કે, "ભારતીય સંસ્કૃતિની જ્યોત જલતી રાખી છે જે સમગ્ર ગુજરાતનું ગૌરવ છે, અને આ ગરબી મંડળ તેની શતાબ્ધિ ઉજવે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી હતી."
આ ભદ્રકાળી ગરબી મંડળમાં સંતો-મહંતો સહીતના રાજકીય આગેવાનો, અધિકારીઓ, પદાધિકારીઓ, નગર શ્રેષ્ઠિઓ અને શહેરના પ્રબુદ્ધ નાગરિકકોઓએ ગરબીને મન ભરીને માણી છે.
આ ગરબી ગુજરાતનું નહીં પણ હિન્દુસ્તાનનું ગૌરવ છે: પોરબંદરને ગૌરવરૂપ દેશ વિદેશમાં સુવિખ્યાત, ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી આ અનોખી ગરબીને દેશ વિદેશના મેગેઝીનો અખબારોમાં લેખ રૂપે પ્રસિદ્ધ થતા ગુજરાત સહીત દેશ-વિદેશના લોકો માટે આ ગરબી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ અગાઉ અમેરિકાની ડ્યુક યુનિવર્સિટીના ડાનસિંગ વિષયના નિષ્ણાંત પ્રોફેસર ડો. પૂર્ણિમા શાહે પોરબંદરના પુરાતત્વવિદ જાણીતા સાહિત્યકાર નરોતમ પલાણની રાહબરી હેઠળ આ ગરબીની પ્રાચીન સંસ્કૃતિને લઈને ડોક્યુમેન્ટ્રીરી બનાવવા ટીમ સાથે આવેલ હતા. આ ટીમે ગરબીને નિહાળીને કહ્યું હતું કે, "આ ગરબી ગુજરાતનું નહીં પણ હિન્દુસ્તાનનું ગૌરવ છે. લુપ્ત થતી ભારતીય સંસ્કૃતિને જીવન્ત રાખવાના પ્રયાસોની કદર કરવી ઘટે."
આધુનિક સમયમાં નવરાત્રીની પારંપરિક ઓળખ ભુલાઈ: આધુનિક નવરાત્રિમાં ભક્તિના દર્શન ક્યાય જોવા મળતા નથી. નવરાત્રિ મહોત્સવનું વ્યાપારીકરણ થઇ ગયું છે અને કાન ફાડી નાંખે તેવા પ્રદુષણના અવાજો ડિસ્કો મ્યુઝિક, ડીજે જેવા ઉપકરણો અને આધુનિક વસ્ત્રોમાં શરીર પ્રદર્શનને નવરાત્રીની પારંપરિક ઓળખ ભુલાવી દીધી છે. ભદ્રકાળી ગરબી મંડળના પૂર્વ પ્રમુખ સ્વ. ભીખાબાપા માલીની રાહબરી હેઠળ પ્રમુખ રામજીભાઈ છગનભાઇ બામણીયા, મંત્રી રામજીભાઈ મકવાણા, ઉપપ્રમુખ પ્રફુલભાઈ નાથાભાઈ બામણીયા, ટ્રષ્ટિ બાબુભાઇ ભાલીયા, પ્રેમજીભાઈ વાજા, ભીખુભાઈ મકવાણા સહીતના યુવા કાર્યકરો અને મંદિરના પૂજારી બિપિનભાઈ આચાર્ય, અરવિંદભાઈ આચાર્ય પગેથી ચાલતું એન્ટિક પીસ તેમજ હાર્મોનિયમ સાથે પ્રાચીન ઢબે, છંદ અને લય બદ્ધ ગવાતા ગરબાની પરંપરા જાળવી રાખી છે.
આ પણ વાંચો: