પોરબંદર : ધન તેરસના પાવન દિવસે બરડા જંગલ સફારીનું (ફેઝ-1) ઉદ્ઘાટન મુળુભાઈ બેરાના હસ્તે 29 ઓગસ્ટના રોજ પોરબંદરના કપુરડી ચેકપોસ્ટ ખાતે કરવામાં આવશે. ગીર અભ્યારણના સફળ મોડેલ પર આધારિત બરડા વન્યજીવ અભ્યારણમાં ઇકો ટુરિઝમનું પણ આયોજન કરવામાં આવશે.
બરડા વન્યજીવ અભયારણ્ય : વિશ્વમાં એશિયાઈ સિંહોની કુદરતી વસાહત માટે નવા નિવાસસ્થાન તરીકે ઊભરતું બરડા વન્યજીવ અભયારણ્ય સૌરાષ્ટ્ર વિસ્તારના હૃદયમાં વસેલું છે. પોરબંદર શહેરથી લગભગ 15 કિલોમીટરના અંતરે ઉત્તર-પૂર્વમાં અને ગીરના સુપ્રસિદ્ધ સંરક્ષિત વિસ્તારથી 100 કિમી પશ્ચિમમાં સ્થિત આ અભયારણ્ય એશિયાઈ સિંહોની સુરક્ષિત કુદરતી વસાહત તરીકે વિકાસ પામ્યું છે. બરડા વન્યજીવન અભયારણ્ય વૈવિધ્યસભર અને કુદરતી રીતે સંપન્ન છે, જે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ સાથે પ્રકૃતિપ્રેમીઓ અને વૈજ્ઞાનિકો/નિષ્ણાતોને પ્રકૃતિના અજોડ ખજાનાને માણવાનો અવસર પ્રદાન કરે છે.
એશિયાઈ સિંહોનું આવાસસ્થાન : ગુજરાત સરકાર દ્વારા 12 ફેબ્રુઆરી 1979 ના રોજ બરડા વિસ્તારને વન્યપ્રાણી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ અભયારણ્ય મોડપર કિલ્લો, નવલખા મંદિર, જેઠવા શાસકોની પ્રાચીન રાજધાની ઘુમલી જેવા ઐતિહાસિક સ્થળોથી ઘેરાયેલું છે. વર્ષ 1879 માં સિંહોનું એક ટોળું બરડા અભયારણ્યમાં જોવા મળ્યું હતું. ત્યારબાદ દાયકાઓ પછી 19 જાન્યુઆરી, 2023 ના રોજ એક નર એશીયાઇ સિંહે કુદરતી રીતે બરડા વન્યપ્રાણી અભયારણ્યમાં પોતાના આવાસસ્થાન તરીકે વસવાટ કર્યો છે, જે એક ઐતિહાસિક ઘટના કહી શકાય.
- બરડા જંગલ સફારી
બરડા જંગલ સફારીમાં ભાણવડ અને રાણાવાવ તેમજ બરડા વન્યપ્રાણી અભયારણ્યના સૌથી મનોહર વિસ્તારને આવરી લેવામાં આવ્યા છે. માર્ગદર્શિત સફારી દ્વારા પ્રવાસીઓને બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતાનો રોમાંચક અનુભવ પ્રાપ્ત થશે. આ સફારી માર્ગ જાજરમાન કિલગંગા નદીના સાનિધ્યમાંથી પસાર થાય છે. સાથે જ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ વનસ્પતિ સૃષ્ટિ તેમજ વિશિષ્ટ પ્રાણી સૃષ્ટિને નિહાળવાની અનોખી તક આપે છે.
જંગલ સફારી રૂટ : બરડા જંગલ સફારી ફેઝ 1 નો કુલ 27.75 કિ.મી. નો રૂટ છે. જેમાં કપુરડી નાકાથી ચારણુંઆઈ બેરીયર, અજમાપાટ, ભુખબરાથી પરત કપુરડી નાકા સુધીનો છે. તેમજ સફારી માટે ઓપન જીપ્સી રાખવામાં આવેલ છે, જેમાં 6 પ્રવાસીઓ બેસી શકશે.
સફારી પરમીટ : સફારી પરમીટ મેળવવા માટે પ્રવાસીઓએ ટિકિટ બારી પર અગાઉથી બુકિંગ કરાવવું જરૂરી છે. ટૂંક સમયમાં આ પરમીટ માટે ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ થશે, જેથી પ્રવાસીઓ આગોતરું આયોજન કરીને વધુ સહેલાઈ મુલાકાત લઈ શકે.
જંગલ સફારીમાં મુલાકાતનો સમય : શિયાળા (16 ઓક્ટોબર થી 28/29 ફેબ્રુઆરી) દરમિયાન મુલાકાતનો સમય સોમવારથી રવિવાર દરમિયાન સવારે 4:45 થી 9:45 અને સાંજે 3:00 થી 6:00 રહેશે. જ્યારે ઉનાળા (1 માર્ચથી 15 જૂન) દરમિયાન સોમવારથી રવિવાર દરમિયાન સવારે 6:00 થી 9:00 અને સાંજે 4:00 થી 7:00 રહેશે. ખાસ નોંધ કે, દર વર્ષે 16 જૂનથી 15 ઓક્ટોબર દરમિયાન બરડા વન્યજીવ અભયારણ્ય બંધ રહેશે.
- બરડા વન્યજીવ અભયારણ્યની જૈવવિવિધતા
વનસ્પતિ જૈવવિવિધતા : અભયારણ્યનું વૈવિધ્યસભર નિવસનતંત્ર 368 વનસ્પતિ પ્રજાતિઓને આશ્રય આપે છે. જેમાં 59 વૃક્ષો, 83 છોડ, 200 ક્ષુપ અને 26 વેલાઓની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. વનસ્પતિની 368 પ્રજાતિઓમાં, ક્ષુપનું પ્રમાણ સૌથી વધુ (54%) છે, ત્યારબાદ છોડ (23%), વૃક્ષો (16%) અને વેલાનો (7%) સમાવેશ થાય છે. વનસ્પતિઓમાં રાયણ બરડાની સૌથી મહત્વપૂર્ણ પ્રજાતિઓમાંની એક છે.
- પ્રાણી સૃષ્ટિની જૈવવિવિધતા
સસ્તન પ્રાણીઓ : લગભગ 14 દાયકા પછી આ જંગલ વિસ્તાર ફરી એક વખત એશિયાઈ સિંહોની હાજરીનું ગૌરવ અનુભવી રહ્યો છે. આ ઉપરાંત બરડા કુલ 22 સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે. જેમાં દીપડા, જંગલી બિલાડી, ઝરખ, નોળિયો, વીંજ/નાનું વણીયર, શિયાળ, લોંકડી અને સસલા સામેલ છે. આ ઉપરાંત અભયારણ્ય હરણ, સાબર, ચિત્તલ, નીલગાય અને જંગલી ભૂંડ જેવા પ્રાણીઓનું પણ રહેઠાણ છે.
પક્ષીઓ : અભયારણ્યમાં પક્ષીઓની વિવિધતા આશ્ચર્યજનક છે. જેમાં ૬૯ પ્રજાતિઓનો સમાવેશ થાય છે (મીના અને કુમાર, ૨૦૧૪). તેતર, વન લાવરી/ વન ભડકીયું, વગડાઉ ભડકીયું, મોર, ચાશ/ દેશી નીલકંઠ, શ્વેત કંઠ કલકલિયો જેવા પક્ષીઓને તમે સહેલાઈથી નિહાળી શકો છો.
સરિસૃપો : આ અભયારણ્યમાં સરિસૃપની 28 પ્રજાતિઓ જોવા મળે છે. અભયારણ્યમાં જળાશ્રાયો મગરો માટે સમૃદ્ધ નિવાસસ્થાનો પ્રદાન કરે છે. અન્ય સરિસૃપોમાં કાચબા, ઘો, સર્પની પ્રજાતિઓનો સમાવેશ થાય છે. દુર્લભ હોવા છતાં ક્યારેક નદીઓના કિનારે અજગર પણ જોવા મળે છે.
- કેવી રીતે પહોંચશો ?
બરડા વન્યજીવ અભયારણ્ય પોરબંદર અને દેવભૂમિ દ્વારકા એમ બે જિલ્લામાં વિસ્તૃત છે. આ અભયારણ્ય સડક માર્ગોથી સારી રીતે સંકળાયેલ છે, જેથી નજીકના નગરો અને શહેરો સુધી સહેલાઇથી પહોંચવું શક્ય બને છે. બરડા વન્યજીવ અભયારણ્યમાં પોરબંદર, જામજોધપુર, ઉપલેટા, જામનગર અને જૂનાગઢ જેવા મહત્વપૂર્ણ શહેરોમાં સરળતાથી પહોંચી શકાય છે. ઉપરાંત, આ અભયારણ્ય રાજકોટ (170 કિ.મી.) અને અમદાવાદ (430 કિ.મી.) જેવા મુખ્ય શહેરો સાથે પણ સારી રીતે જોડાયેલું છે.
બરડા જંગલ સફારી સુધી પહોંચવા માટે હવાઈ, રેલ્વે અને ભૂમિ માર્ગ ઉપલબ્ધ છે. જેમાં હવાઈ માર્ગ રાજકોટ (170 કિ.મી.), રેલ માર્ગ પોરબંદર (40 કિ.મી.) અને જામનગર (82 કિ.મી.) તથા ભૂમિ માર્ગ રાજ્ય ધોરીમાર્ગ (સ્ટેટ હાઇવે) 27, પોરબંદર અને જામનગર શહેરોને જોડતો મુખ્ય માર્ગ છે.