ભાવનગર : આગામી લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય વંટોળ સર્જાયું છે. ચૂંટણી પ્રચાર સાથે પક્ષપલટાના દાવ લાગી રહ્યા છે. ત્યારે ભાજપ સામે બાથ ભીડવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે અને ગુજરાત બેઠકની વહેંચણી પણ કરવામાં આવી છે.
લોકસભા બેઠક વહેંચણી : આપ-કોંગ્રેસ ગઠબંધન બાદ પ્રદેશ કોંગ્રેસનો ગઢ કહેવાતા ભાવનગરની બેઠક આમ આદમી પાર્ટીને આપીને ગુજરાતમાં ગઠબંધન ધર્મ નિભાવ્યો છે. ભાવનગર લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણાને જાહેર કર્યા છે. હવે કોંગ્રેસ સાથે મળીને આમ આદમી પાર્ટી ભાજપને કેવી રીતે ટક્કર આપશે ? જુઓ ભાવનગર આમ આદમી પાર્ટીના પ્રમુખ મહિપાલસિંહ ઝાલા સાથે ETV BHARAT ની ખાસ વાતચીત...
આપ-કોંગ્રેસ ગઠબંધન : આપ-કોંગ્રેસ ગઠબંધન પર વાત કરતા મહિપાલસિંહે કહ્યું કે, ગઠબંધન થયું છે તેનો સીધો અર્થ સાથે મળીને ચૂંટણી લડવામાં છે. બંને પાર્ટીના મતનો ફાયદો અમને મળશે. હાલમાં જ કોંગ્રેસ પાર્ટીના સિનિયર નેતાઓ સાથે બેઠક કરી છે. તેઓનો સહકાર પૂરો મળશે તેની ખાતરી આપી છે. કોંંગ્રેસનો રીસ્પોન્સ ખૂબ સારો છે માટે તેનો ફાયદો અમને થશે.
ભાવનગર બેઠક પર આપ ઉમેદવાર કેમ ? ભાવનગર બેઠક પર આપના ઉમેશ મકવાણાની ઉમેદવારીને લઈને વાત કરતા તેઓએ જણાવ્યું કે, ગત વિધાનસભા ચૂંટણીથી ભાવનગર આપ સંગઠનની તૈયારી મજબૂત હતી, જેનું પરિણામ દેખાય છે. જીતી ન શક્યા એ અલગ વાત છે પણ મત ગણતરીના હિસાબે ભાવનગરમાં ખૂબ સારા મત જીતવામાં સફળ રહ્યા છીએ. આ મળેલા મતને ધ્યાને રાખીને જ ભાવનગર સીટ આમ આદમી પાર્ટીએ માંગી હતી અને તેથી જ બેઠક અમને મળી છે.