રાજકોટ: હાલ રાજ્યમાં દિવસેને દિવસે અકસ્માતોની ઘટના વધતી જઈ રહી છે. અવારનવાર કોઇ નિર્દોષ અકસ્માતમાં મોતને ભેટે છે. આમાં પોલીસ કર્મચારીઓ પણ બાકાત નથી તેમણે પણ અકસ્માતનો સામનો કરવો પડે છે. ગોંડલમાં આવા જ એક રોડ અકસ્માતમાં પોલીસ કર્મચારીનું મોત નીપજ્યું હતું. ઉમવાડા ગામે લગ્ન પ્રસંગમાંથી બાઈક પર ઘરે જવા નીકળેલા પોલીસમેનને પૂરઝડપે આવતાં અજાણ્યા વાહને અડફેટે લેતાં પોલીસ કર્મચારીનું સારવાર મળે તે પહેલા જ કમકમાટીભર્યુ મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે ગોંડલ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે અકસ્માત સર્જી નાસી છુટેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.
અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા: ગોંડલ સીટી પોલીસ લાઈનમાં રહેતા 37 વર્ષીય પોલીસકર્મી વિનોદભાઈ હકુભાઈ લાલકીયા બાઈક લઈ ગોંડલ નજીક આવેલ ઉમવાડા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. ત્યારે રાત્રિનાં પોણા અગ્યારેક વાગ્યાના અરસામાં બાઈક પર ઘરે જવા નીકળ્યા હતા. તે દરમિયાન ગોંડલ રમાનાથ ધામ મંદિર નજીક સુવર્ણભૂમિ રેસીડેન્સી પાસે પૂરઝડપે આવતા અજાણ્યા વાહન ચાલકે બાઈક સવાર પોલીસમેનને અડફેટે લેતાં બાઈક પરથી ફંગોળાઈને રોડ ઉપર પટકાયા હતાં અને તેમણે માથામાં તેમજ હાથ-પગમાં ગંભીર ઈજા પહોંચી હતી. બાજુમાં તેના બાઈકના કટકા થઈ ગયા હતા.
સારવાર મળે તે પહેલા મોત: અન્ય વાહનચાલકો ત્યાંથી પસાર થતાં તાત્કાલિક 108 ને જાણ કરી હતી અને પોલીસ મેનને સારવાર અર્થે ગોંડલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પરંતુ તેની સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ગોંડલ એ-ડિવિઝન પી.આઈ. એ.સી.ડામોર, બી ડિવિઝન પી.આઈ. જે.પી. ગોસાઈ, શાપર પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર. કે. ગોહિલ, LCB બ્રાન્ચ સહિતનો પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો. તેમજ અકસ્માતના બનાવને પગલે બી-ડિવિઝન પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી હતી.
સાત વર્ષના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી: પોલીસ કર્મચારી વિનોદભાઈ હકુભાઈ લાલકિયા હાલ શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા ત્યારે અકસ્માતની આ ઘટનામાં એક સાત વર્ષના પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવાર પર જાણે આભ ફાટી ચૂક્યો હોય તેવા કરૂણ રૂદનના દ્રશ્યો છવાયા છે જ્યારે પોલીસ બેડામાં પણ સન્નાટો છવાયો છે. અકસ્માતે બનેલ આ બનાવની જાણ થતાં ગોંડલ બી-ડિવિઝન પોલીસે મૃતક પોલીસ મેનના મોટાભાઈ સંજયભાઈ ઉર્ફે ચંદુભાઈ હકુભાઈ લાલકીયાની ફરિયાદ પરથી અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી અકસ્માત સર્જી નાસી છુટેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.