સુરત: શહેરમાં દિનપ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે.ત્યારે લોકો નજીવા કારણે મોતને વ્હાલું કરી રહ્યા છે. ત્યારે સુરત શહેરના ભાઠેના બ્રિજ પરથી એક યુવક મોતની છલાંગ લગાવી રહ્યો હતો. તે દરમિયાન બ્રિજ પરથી પસાર થઈ રહેલ પોલીસની નજર જતાં પોલીસે તુરત પહોંચી યુવકને છલાંગ લગાવતા અટકાવ્યો હતો અને તુરત પોલીસ દ્વારા યુવકનું કાઉન્સેલિંગ કરાયું હતું.
પોલીસે યુવાનને આત્મહત્યા કરવાથી બચાવ્યો: સલાબતપુરા પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા ભાઠેના ઓવરબ્રિજ પર એક યુવાન આપઘાત કરવા માટે ચડી ગયો હતો. આ ઘટનાની તાત્કાલિક પોલીસને જાણ થતા પોલીસની ટીમ તેમજ શી ટીમ ભાઠેના ઓવરબ્રિજ પહોંચી હતી અને પોલીસને જોઈ યુવક નીચે કુદવા ગયો હતો. પરંતુ પોલીસ જવાનો એ તાત્કાલિક સમયસૂચકતા દાખવીને આ યુવાનને પકડી લીધો હતો. જેથી યુવાન નીચે પટકાયો ન હતો.
યુવાન તણાવગ્રસ્ત હોવાથી આત્મહત્યા કરવા ગયો: પોલીસ દ્વારા આ યુવકનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું હતું કે, આ યુવાન ખૂબ જ તણાવ સાથે જીવી રહ્યો હતો અને જીવનમાં ખૂબ જ પરેશાન રહેતો હતો. જેથી જિંદગીથી કંટાળી આત્મહત્યા કરવા માટે પહોંચ્યો હતો. પરંતુ જીવન રક્ષક બનીને આવેલી પોલીસે ખરા સમયે જ આ યુવાનનો જીવ બચાવી તેનું કાઉન્સિલિંગ કરી નવી જિંદગી બક્ષી હતી. આ યુવાનને મોડી રાત્રે ઘરે પણ જવા દેવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા યુવકને ઘરે પરત મોકલાયો: જ્યારે આ યુવાનને તેના ઘરે પરત મોકલવામાં આવ્યો ત્યારે યુવાનના મોંઢા પર એક હાંશકારાનો અનુભવ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો હતો. આમ જીવનરક્ષક બનીને આવેલી પોલીસે યુવાનનો જીવ બચાવીને ખરા અર્થમાં પોતાની સેવા સાબિત કરી હતી.