નવસારી: જિલ્લાના દડંગવાડના ટેકરા પાસે આવેલ વૈકુંઠ સોસાયટીમાં રહેતા વૃદ્ધા પ્રીતિબેન પરીખ ગત 18 ઓગસ્ટના રોજ મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યાંથી પરત પગપાળા આવતી વખતે ગોલવાડ પાસે તેમને એક મહિલાએ રોક્યા અને પોતાની ઓળખ અલ્પા તરીકે આપી હતી. બાદમાં પ્રીતિબેનને તમે વૃદ્ધ છો. તમને 10000 રૂપિયાની સહાય મળી શકે છે. હું તમને અપાવીશ, પણ એના માટે થોડા દૂર જવું પડશે, એવું કહી પ્રીતિબેનને તેની વાતોમાં ભોળવી દીધા હતા.
સરકારી યોજનાનો લાભ આપવું કહીને વૃદ્ધા સાથે છેતરપિંડી કરી: ઠગ મહિલા, વૃદ્ધા પ્રીતિબેનને રિક્ષામાં બેસાડી ગણદેવી થઈ ચીખલી લઈ ગઈ હતી. જ્યાં સહાય માટે તમારા ફોટાની જરૂર પડશે કહી ફોટો સ્ટુડિયોમાં લઈ ગઈ, પરંતુ તમે દાગીના પહેર્યા છે, તેથી ગરીબ દેખાતા નથી. આ દાગીના કાઢી નાખવા પડશે કહી ચીખલી બસ ડેપોના બાથરૂમમાં લઈ જઈ સોનાના 2 પાટલા, સોનાની 4 વીટી સહિતના 2.75 લાખના દાગીના કઢાવી, પોતાના પર્સમાં મૂકી દીધા હતા. બાદમાં પ્રીતિબેનનો ફોટો પડાવી તેમને લઈને બહાર નીકળી અને થોડે દૂર ગયા બાદ ફોટો લઈ આવું છું કહી ગઈ અને પાછી આવી નહીં.
છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ચીખલી પોલીસ હરકતમાં આવી: બીજી તરફ વૃદ્ધા પ્રીતિબેન ચીખલી બજારમાં અટવાઈ જતા, તેમણે અન્ય લોકોની મદદ લઈ પોતાના પુત્રને જાણ કરી હતી. સાથે જ તેમને એક ઠગ મહિલા છેતરીને સોનાના દાગીના કઢાવી ગઈ હોવાનું જણાવ્યું હતું. ચીખલી પહોંચેલા પ્રીતિબેનના પુત્ર ગૌતમ પરીખે ચીખલી પોલીસ મથકે અજાણી ઠગ મહિલા વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા ચીખલી પોલીસ હરકતમાં આવી હતી.
ચીખલી પોલીસે આરોપી સલમાની ધરપકડ કરી: પોલીસે ચીખલી બજાર, એસટી ડેપો સહિતના CCTV ફૂટેજ ખંગાળ્યા બાદ બાતમીદારોના નેટવર્ક એક્ટિવ કર્યા હતા. દરમિયાન ગતરોજ ચીખલી એસટી ડેપોની ભીડમાં એક મહિલા શંકાસ્પદ જણાય છે, એવી માહિતી મળતા જ ચીખલી પોલીસની ટીમ ડેપો ખાતે પહોંચી હતી. જ્યાં શંકાસ્પદ જણાતી મહિલાની અટકાયત કરી તેની પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં મહિલા આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના દાજીપુરા ગામની સૈયદાબીબી ઉર્ફે સલમા ફિરોઝખાન પઠાણ હોવાનું સામે આવ્યું હતું, પરંતુ કડકાઈથી પૂછપરછ કરતા સલમા ભાંગી પડી હતી અને ગત 18 ઓગસ્ટના રોજ નવસારીની વૃદ્ધાને છેતરી ચીખલી આવી 2.75 લાખ રૂપિયાના દાગીના પડાવી લીધાની કબુલાત કરી હતી. જેથી ચીખલી પોલીસે સલમાની ધરપકડ કરી, કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવી, તપાસને વેગ આપ્યો છે.
સલમાએ ગુજરાતમાં 25 ગુનાઓને અંજામ આપ્યો છે: નાયબ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ ગોહિલ દ્વારા મળેલી માહિતી પ્રમાણે, ચીખલી પોલીસના હાથે પકડાયેલી ઠગ મહિલા સલમા પઠાણ વર્ષ 2015થી આ પ્રકારે વૃદ્ધ મહિલાઓને છેતરીને સોનાના દાગીના પડાવી લે છે. સલમા પ્રથમ બજાર, મંદિર કે ભીડવાળી જગ્યાઓમાં વૃદ્ધ મહિલાઓ જે એકલી હોય એને ટાર્ગેટ બનાવે છે. તેની આસપાસ ફરી દાગીના કેટલા છે અને તેની સાથે કોઈ છે કે નહીં એની ખાતરી કરી લે છે. બાદમાં તેને ખોટી ઓળખ આપી વાતોમાં ભોળવી સરકારી સહાય અપાવવા અથવા લોન અપાવવાની લાલચ આપી પોતાની સાથે લઈ જાય છે. ત્યારબાદ તેમના શરીર ઉપરના દાગીના થકી તેઓ ગરીબ ન દેખાય એવી વાત કરી તેને ઉતરાવી લે છે અને પછી ફોટો પડાવવાના બહાને સ્ટુડિયોમાં લઈ જઈ કોઈપણ બહાને ત્યાંથી ફરાર થઈ જાય છે. આ પ્રકારે સલમાએ ગુજરાતમાં 25 ગુનાઓને અંજામ આપ્યો છે. જેમાં અમદાવાદમાં 7, વડોદરામાં 7, ખેડામાં 3, નવસારીમાં 2, સુરેન્દ્રનગરમાં 1, આણંદમાં 1, સાબરકાંઠામાં 1, પંચમહાલમાં 1, નર્મદામાં 1, ભુજમાં 1 અને જામનગરમાં 1 ગુનાનો સમાવેશ થાય છે. હાલ તો પોલીસે સલમા પઠાણને જેલના સળિયા ગણતી કરી દીધી છે, પરંતુ વૃદ્ધ મહિલાઓએ આવી સલમાઓથી ચેતવાની જરૂર છે.
આ પણ વાંચો: