સુરત: જિલ્લાના ડીંડોલી વિસ્તારમાં સગીરા ઘરે એકલી હોવાથી પડોસમાં જ રહેતા યુવકે એકલતાનો લાભ લઇ ઘરમાં ઘૂસી સગીરા સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. સગીરાના માતા-પિતા તેમજ ભાઈ બહારગામ ગયા હતા એ દરમિયાન પાડોશીએ દુષ્કર્મ આચર્યું હતું. તો અન્ય એક પાડોશીએ સગીરા સાથે અડપલા કર્યા હતા. સગીરાના માતા-પિતા ઘરે આવતા સમગ્ર હકીકત માતા-પિતાને જણાવી હતી. જેથી માતા-પિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે બંનેને ઝડપી પાડયા હતા.અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સગીરા પર પડોશીએ દુષ્કર્મં આચર્યું: આ સમગ્ર ઘટના સુરતના ડીંડોલી વિસ્તારમાં ઘટી છે. જ્યાં એક તરુણી પોતાના ઘરમાં એકલી હતી.સગીરાના માતા-પિતા બહારગામ ગયા હતા. સગીરા અને તેમનો ભાઈ ઘરે હતા. તે દરમિયાન તેમનો ભાઈ પણ બહાર ગયો હતો. જેથી સગીરાની એકલતાનો લાભ લઇ પાડોશી સગીરા પાસે આવ્યો હતો અને કામનું બહાનું કર્યું હતું. તે દરમિયાન સગીરા પાસે કોઈ ન હોવાથી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ અન્ય એક પાડોશી પણ ઘરમાં ઘુસી આવ્યો હતો અને આ સગીરા સાથે બળજબરીપૂર્વક અડપલાં કર્યા હતા. સગીરા પોતાના ઘરમાં એકલી હોવાથી હેબતાઈ ગઈ હતી.
માતા-પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી: સગીરાના માતા-પિતા બહારગામથી ઘરે આવ્યા ત્યારે સગીરાએ સઘળી હકીકત માતા પિતાને જણાવતા માતા-પિતાના પગતળેથી જમીન ખસકી ગઈ હતી. તાત્કાલિક જ માતા પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે ફરિયાદના આધારે બંને નરાધમોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.