બનાસકાંઠાઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં ભોજનમાં દેડકો નિકળવા સહિતના પ્રશ્ને આજે કુમાર છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ અને NSUIના કાર્યકરો પાલનપુર આદિજાતિ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા.
જ્યાં કચેરીનો ઘેરાવ કરી તાળાં બંધી કરવાનો પ્રયાસ કરવા જતાં પોલીસ સાથે સંઘર્ષ થતા મામલો બીચકયો હતો. જેથી પોલીસે વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો. તેમજ 30 થી વધુ વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
અનેક રજૂઆતો છતા સમસ્યાઓ યથાવતઃ આદિજાતિ કુમાર છાત્રાલયના વિદ્યાર્થીઓની સમસ્યાઓ અંગે અનેકવાર રજૂઆત કરવા છતાં વિદ્યાર્થીઓના પાયાના પ્રશ્નોનું યોગ્ય નિકાલ ન આવતા આજે એન.એસ.યુ.આઈ.ની આગેવાનીમાં વિદ્યાર્થીઓ રજૂઆત કરવા પહોંચ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતું ભોજન યોગ્ય ના હોવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે પાલનપુર ખાતે વિદ્યાર્થીઓ અને NSUI દ્વારા આદિજાતિ કચેરીનો ઘેરાવ અને તાળા બંધી કરવાનો પ્રયાસ કરાયો હતો. જેને પગલે વિદ્યાર્થીઓનું પોલીસ સાથે ઘર્ષણ થતા પોલીસે ટોળાને વિખેરવા હળવો લાઠીચાર્જ કર્યો હતો. તેમજ 30 જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી.
ખરાબ જમવાનું આપવાની સતત બુમરાણઃ આદિજાતિ કુમાર છાત્રાલયમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓને ખરાબ જમવાનું આપવામાં આવતું હોવાની બુમરાણ ઉઠી છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી આદિજાતિ કુમાર છાત્રાલયમાં વિદ્યાર્થીના ભોજનની થાળીમાં દેડકો નીકળ્યો હોવાનું સામે આવ્યું હતું. ત્યારે જમવામાં આવાર-નવાર જીવ જંતુઓ નીકળવાની ઘટનાઓ બનતી હોવા છતાં તંત્ર દ્વારા કોઇ એક્શન લેવામાં આવતી ન હોઈ આજે NSUI આગેવાનો સાથે વિદ્યાર્થીઓ પાલનપુર આદિજાતિ કમિશનર કચેરી એ પહોચી તાળા બંધી અને કચેરીનો ઘેરાવ કરવા જતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ત્યારે આ બાબતે વિદ્યાર્થીઓ એ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે અમે રજૂઆત કરવા આવ્યા હતા અને પોલીસે એમને રોક્યા હતા.
જોકે આ અંગે વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, અમારી સાથે અન્યાય થયો છે અને પોલીસે અમારી પર દમન ગુજાર્યું છે. જે ખરેખર યોગ્ય નથી હવે અમારી રજૂઆતોને લઈ અડગ છે અને જ્યાં સુધી અમારી માંગ તથા અમારી રજૂઆતો ધ્યાને નહીં લેવાય ત્યાં સુધી અમે રજૂઆતો કરતા રહીશું.