જામનગર: હાલારની ધરતીને સદીઓથી જે સુવિધાની રાહ જોવાઈ રહી હતી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું પણ એક સ્વપ્ન હતું કે બેટ દ્વારકા ખાતે દરિયામાં સિગ્નેચર બ્રિજ બનાવવામાં આવે અને આ સ્વપ્ન હવે સાકાર થવા જઈ રહ્યું છે. આગામી 25મી ફેબ્રુઆરીના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ દ્વારકા ખાતે વડાપ્રધાન દ્વારા જંગી સભાને સંબોધવામાં આવશે. તે અગાઉ તારીખ 24 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન જામનગર ખાતે સર્કિટ હાઉસમાં રાત્રી રોકાણ કરશે.
તારીખ 24 મી ફેબ્રુઆરીના રોજ જામનગર સર્કિટ હાઉસ ખાતે રાત્રી રોકાણના પગલે રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા આજે સર્કિટ હાઉસ ખાતે અને જામનગર એરફોર્સ કે જ્યાં વડાપ્રધાનનું હવાઈ ઉતરાણ થવાનું હોય અને ત્યાંથી સર્કિટ હાઉસ સુધીના માર્ગ પરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સર્કિટ હાઉસના જુદા જુદા વિભાગોની રાજકોટ રેન્જ આઇજી અશોક કુમાર યાદવે મુલાકાત લીધી અને વડાપ્રધાનના કાફલાના રૂટનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ સમયે જામનગર એસ.પી. પ્રેમસુખ ડેલું સહિતનો કાફલો તેમની સાથે ઉપસ્થિત રહ્યો. જ્યારે સર્કિટ હાઉસ ખાતે વડાપ્રધાનના રાત્રી રોકાણને પગલે સર્કિટ હાઉસને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સંપૂર્ણ કિલેબંધિમાં ફેરવવામાં આવશે.
જોકે વડાપ્રધાન જામનગર રાત્રી રોકાણના સમયે એરફોર્સથી સર્કિટ હાઉસ સુધીના માર્ગ પર રોડ-શો કરશે તેવી ચર્ચાઓ પણ જાગી છે. પરંતુ તંત્ર દ્વારા વડાપ્રધાનના રોડ શો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુંના જણાવ્યા અનુસાર PM ના રાત્રી રોકાણ સિવાયના સરકાર દ્વારા નવા કાર્યક્રમોની સૂચના મળ્યા બાદ મિડિયા સમક્ષ જાણ કરવામાં આવશે.