અમદાવાદ: PM નરેન્દ્ર મોદી 28મી ઓક્ટોબરે સોમવારના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ સ્પેનના વડાપ્રધાન સાથે મુલાકાત કરશે અને લક્ષ્મી વિલાસ પેલેસની પણ મુલાકાત લેવાના છે. આ સાથે જ તેઓ અમરેલીમાં જઈને અનેક વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. ત્યારે જાણો વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસનું શિડ્યૂલ શું રહેશે?
વડોદરામાં PM મોદીની સ્પેનના PM સાથે મુલાકાત
પ્રધાનમંત્રી સવારે 10 વાગ્યાની આસપાસ સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ સાથે મળીને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (ટીએએસએલ) કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટના ઉત્પાદન માટે ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું સંયુક્તપણે ઉદઘાટન કરશે. આ બાદ સવારે 11 વાગ્યાની આસપાસ તેઓ લક્ષ્મી વિલાસ પેલેસની મુલાકાત લેશે. અહીં તેઓ સ્પેનના વડાપ્રધાન સાથે લન્ચ પણ કરશે.
અમરેલીમાં શું હશે PMનો કાર્યક્રમ?
આ બાદ પ્રધાનમંત્રી વડોદરાથી અમરેલીની મુલાકાત લેશે, જ્યાં બપોરે 2:45 વાગ્યે તેઓ અમરેલીનાં દુધાળામાં ભારત માતા સરોવરનું ઉદઘાટન કરશે. આ પ્રોજેક્ટને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (પીપીપી) મોડેલ હેઠળ ગુજરાત સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન વચ્ચેના સહયોગથી વિકસાવવામાં આવ્યો હતો. ધોળકિયા ફાઉન્ડેશને ચેકડેમમાં સુધારો કર્યો હતો, જે મૂળભૂત રીતે આ ડેમમાં 4.5 કરોડ લિટર પાણી રહી શકતું હતું, પરંતુ તેને ઊંડું, પહોળું અને મજબૂત કર્યા પછી તેની ક્ષમતા વધીને 24.5 કરોડ લિટર થઈ ગઈ છે.
4800 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ઉદ્ધાટન અને શિલાન્યાસ
આ બાદ બપોરે 3 વાગ્યે પ્રધાનમંત્રી મોદી એક જાહેર સમારંભમાં લાઠીમાં આશરે રૂ. 4,800 કરોડથી વધુની કિંમતના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આ યોજનાઓથી રાજ્યના અમરેલી, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, કચ્છ અને બોટાદ જિલ્લાના નાગરિકોને લાભ થશે.
પ્રધાનમંત્રી રૂ. 2,800 કરોડથી વધારેનાં મૂલ્યનાં વિવિધ રોડ પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે અને શિલાન્યાસ કરશે. આ પરિયોજનામાં રાષ્ટ્રીય રાજમાર્ગ 151, રાષ્ટ્રીય રાજમાર્ગ 151એ અને રાષ્ટ્રીય રાજમાર્ગ 51 અને જૂનાગઢ બાયપાસના વિવિધ વિભાગોને ચાર માર્ગીય બનાવવાનો સમાવેશ થાય છે. જામનગર જિલ્લાના ધ્રોલ બાયપાસથી મોરબી જિલ્લાના આમરણ સુધીના બાકીના વિભાગના ચાર માર્ગીય પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરવામાં આવશે.
1100 કરોડના ભુજ-નલિયા રેલ ગેજ કન્વર્ઝનનું લોકાર્પણ
પ્રધાનમંત્રી આશરે રૂ.1,100 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા ભુજ-નલિયા રેલ ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે. આ વિસ્તૃત પ્રોજેક્ટમાં 24 મુખ્ય પુલો, 254 નાના પુલો, 3 રોડ ઓવરબ્રિજ અને 30 રોડ અંડરબ્રિજ છે અને તે કચ્છ જિલ્લાના સામાજિક-આર્થિક વિકાસને વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે.
આ ઉપરાંત અમરેલી જિલ્લામાંથી પાણી પુરવઠા વિભાગના 700 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જે પરિયોજનાઓનું ઉદઘાટન કરવામાં આવશે તેમાં નવડાથી ચાવંડ બલ્ક પાઇપલાઇન સામેલ છે, જે 36 શહેરો અને બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના 1,298 ગામોના અંદાજે 67 લાખ લોકોને વધારાનું 28 કરોડ લિટર પાણી પૂરું પાડશે. ભાવનગર જિલ્લામાં પાસવી ગ્રુપ ઓગમેન્ટેશન વોટર સપ્લાય સ્કીમ ફેઝ-2નું ભૂમિપૂજન પણ કરવામાં આવશે, જેનો લાભ ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા અને પાલિતાણા તાલુકાના 95 ગામોને મળશે. પ્રધાનમંત્રી પ્રવાસન સાથે સંબંધિત વિકાસલક્ષી પહેલોનો શિલાન્યાસ પણ કરશે, જેમાં પોરબંદર જિલ્લામાં મોકરસાગરમાં કાર્લી રિચાર્જ જળાશયને વૈશ્વિક કક્ષાનું ટકાઉ ઇકો-ટૂરિઝમ ડેસ્ટિનેશન બનાવવાની બાબત સામેલ છે.
આ પણ વાંચો: