મોરબી: મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જયંતી ધામધૂમથી યોજાઈ હતી. મોરબીના ટંકારા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા પણ સ્થળ પર હાજરી આપીને આયોજકો અને ભક્તોનો ઉત્સાહ વધાર્યો હતો.
મહર્ષિ દયાનંદ સરસ્વતીજી અંગેની વાતો કરી તેમજ સંસ્મરણો વાગોળ્યા
આ પ્રસંગે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી દયાનંદ સરસ્વતી સાથેના સંસ્મરણોને વાગોળ્યા હતા. પીએમ મોદીએ જબાયુ હતું કે સ્વામી દયાનંદ સરસ્વતીજી માત્ર આર્યોના જ ઋષિ નહીં પરંતુ સમગ્ર રાષ્ટ્રના ઋષિ છે. આ ઉપરાંત આયોજકોનો આભાર માનતા તેમને જણાવ્યું હતું કે સ્વામી દયાનંદ સરસ્વતીજીએ બતાવેલ માર્ગ અમૃતકલના કરોડો લોકોમાં આશા જગાડી રહ્યો છે. તેમની 200મી જન્મજયંતિ સંબંધિત કાર્યક્રમનો ભાગ બનવું એ મારા માટે સૌભાગ્યની વાત છે.
દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા: ઉલ્લેખનીય છે આ પ્રસંગે દૂર-દૂરથી ભક્તોએ હાજરી આપી હતી. આ મહોત્સવમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. કેન્દ્રીયમંત્રી પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે, દયાનંદ સરસ્વતીજી એ સમગ્ર દેશમાં ચેતના પ્રગટ કરી સમગ્ર દેશને એક કરવાનું કામ કર્યું હતું.