રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે છે. ત્યારે તેઓ ગઈકાલે જામનગર ખાતે પહોંચ્યા હતા. આજે વહેલી સવારથી જ તેઓ દ્વારકા ખાતે વિવિધ કાર્યક્રમો હાજરી આપી રહ્યા છે. એવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોર બાદ રાજકોટ ખાતે આવી પહોંચશે. તેમજ રાજકોટના રેસકોર્સમાં પીએમ મોદી જંગી જનસભા સંબોધન કરશે. જ્યારે પીએમ મોદીની સભામાં 1 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટમાં આજે રાત્રે રોકાણ કરશે. જેને લઈને હાલ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
એઈમ્સના IPD વિભાગનું કરશે લોકાર્પણ: પીએમ મોદી બપોરે ત્રણ વાગ્યાની આસપાસ રાજકોટના પરાપીપળીયા પાસે આવેલા એઈમ્સ હોસ્પિટલ ખાતે હેલિકોપ્ટર મારફતે ઉતરાણ કરશે. અહીં આઈપીડી વિભાગનું લોકાર્પણ કરશે. ત્યારબાદ એઇમ્સની કામગીરીની સમીક્ષા કરશે. એઇમ્સનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ PM મોદી એઇમ્સ ખાતેથી રાજકોટના જૂના એરપોર્ટ ખાતે આવશે અને જૂના એરપોર્ટથી તેઓ રેસકોર્સ સભાસ્થળ સુધી મેગા રોડ શો યોજશે. જ્યારે આ રોડ શોમાં અંદાજિત 20000 કરતાં વધુ લોકો ઉમટી પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. પીએમ મોદીના રોડ શોની તૈયારીઓ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. જ્યારે રોડ શોના રૂટ પર 21 જેટલા અલગ અલગ સ્ટેજ ઊભા કરવામાં આવ્યા છે. જ્યાં વિવિધ સંસ્થાઓના આગેવાનો દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવનાર છે.
સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે: પીએમ મોદી રાજકોટમાં રોડ શો યોજ્યા બાદ શહેરના રેસકોસ ગ્રાઉન્ડમાં વિશાળ જનસભાને સંબોધન કરશે. જ્યારે આ જનસભામાં એક લાખથી વધુ લોકો બેસી શકે તે પ્રકારના પાંચ અલગ અલગ જર્મન ડોમ ઉભા કરવામાં આવ્યા છે. લોકસભાની ચૂંટણી પહેલા પીએમ મોદીનો રાજકોટમાં આ રોડ શો અને સભા ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. જ્યારે આ બંને કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ પીએમ મોદી રાજકોટના સર્કિટ હાઉસમાં રાત્રે રોકાણ કરશે. જેને લઇને પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. તેમજ સર્કિટ હાઉસની આસપાસના રસ્તાઓને બંધ રાખવામાં આવ્યા છે. પીએમ મોદીની સુરક્ષામાં કોઈ ચૂક ના રહી જાય તે માટે 3000 કરતા વધુ પોલીસ કર્મીઓ સાથે એસપીજી કમાન્ડો સહિતનો સ્ટાફ ખડેપગે છે.