રાજકોટ: શહેર પોલીસ દ્વારા વ્યાજખોરો વિરુદ્ધ લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો હાજર રહ્યા હતા. ત્યારે સમગ્ર મામલે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, ગત વખતે પણ વ્યાજખોરો વિરુદ્ધ લોક દરબાર યોજવામાં આવ્યો હતો. જે લોક દરબારમાં 60 જેટલી અરજીઓ આવી હતી. જે 60 જેટલી અરજીના આધારે 47 જેટલા ગુના રાજકોટ શહેરના વિવિધ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
રાજકોટ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ: 60 જેટલી અરજીના આધારે 47 ગુના અંતર્ગત 62 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે કે બે જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ પાસા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યારે આગામી જુલાઈ મહિના દરમિયાન વ્યાજખોરો વિરુદ્ધ રાજકોટ શહેર પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ ચલાવવામાં આવશે. જે સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત રાજકોટ શહેર પોલીસને વ્યાજખોરો વિરુદ્ધ જેટલી પણ અરજી મળશે. તેને આધારે કાર્યવાહી કરાશે
વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ દ્વારા ગુનો નોંધાશે: અરજીના આધારે પોલીસ દ્વારા અભ્યાસ કરીને જરૂર પડીએ ગુના દાખલ કરી આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાય સમયથી વ્યાજખોરો દ્વારા પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે. ત્યારે વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ દ્વારા મની લેન્ડર્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવશે.