પાટણ: પાટણ જિલ્લાના રાધનપુરના સરદારનગર સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી પીવાના પાણીની પારાયણ સર્જાતા મહિલાઓ રણચંડી બની હતી અને પીવાના પાણીની સમસ્યાને લઇને મોટી સંખ્યામાં મહિલાઓ તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચી મટકા ફોડી વિરોધ દર્શાવ્યો હતો.
સોસાયટીના રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમારા સરદારનગર સોસાયટીમાં છેલ્લે બે વર્ષથી પાણીની સમસ્યા છે. જયારે પાણી છોડવામાં આવે છે ત્યારે અહીં મોટર ચાલુ કર્યા વગર પાણી સહેજ પણ આવતું નથી અને અમુક વખતે તો મોટર ચાલુ હોય તો પણ પાણી આવતું નથી. આ બાબતે સોસાઈટીના લોકોએ સરદારપુરા ગ્રામ પંચાયતમાં લેખિત તેમજ મૌખિક અને ટેલિફોનિક ફરિયાદ રજૂઆત કરેલી પરંતુ હજુ સુધી પાણીની સસ્યાનો કોઈ હલ આવ્યો નથી. આ અંગે અગાઉ પણ સરદારપુરા તલાટીને પણ જાણ કરી હતી, પરંતુ કોઈ અધિકારી અહીં તપાસ અર્થે પણ આવ્યા નથી.
આ સમસ્યાને લઇને સ્થાનિક સોસાયટીના રહીશો અને મહિલાઓ દ્વારા પાણીની સમસ્યા અંગે રાધનપુર મામલતદારને તાલુકા પંચાયતમાં પણ અગાઉ અરજી કરી છે, પણ કોઈ પગલા ઉઠાવ્યા નથી. પાણી વગર સોસાયટીના સભ્યોને ખુબ જ તકલીફો પડે છે. અહિંના લોકો પાણીના પ્રાઈવેટ ટેન્કરો પોતાના ખર્ચે નંખાવે છે અને પીવા માટે ફરજિયાત પાણીની બોટલ્સ મંગાવે છે. આવી તકલીફો છેલ્લા બે વર્ષોથી સરદારનગરના રહિશો ભોગવી રહ્યા છીએ તેવું જણાવ્યું હતું.
જે અનુસંધાને સરદારનગર સોસયાટીના પાણીના પ્રશ્નનું સોલ્યુશન 10 દિવસમાં નહીં લાવવામાં આવે તો સરદારનગર સોસાયટીના રહિશો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ભુખ હળતાળ પર જઈને અન્નજળનો ત્યાગ કરીને આ લડત લડીશુ તેવી ચીમકી ઉચ્ચારી હતી.
પીવાના પાણીની સમસ્યાનેે લઇને લોકો દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સચિવાલય, ગાંધીનગર, કલેકટર કચેરી, પાટણ અને માલતદાર રાધનપુર તેમજ તલાટી, સરદારપુરા, તા. રાધનપુર, જિ. પાટણ સહિતને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.
આમ,તો સરકાર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થાને લઇને તમામ પ્રકારની જાહેરાતો કરાઈ રહી છે અને હર ઘર "નલ સે જલ" ની યોજના અંતર્ગત પીવાનું પાણી પુરૂ પાડવામાં આવતું હોવાની વાતો કરાય છે. પરંતુ વાત કરવામાં આવે રાધનપુરની તો રાધનપુર ખાતે નલ સે જલ યોજનાની વાતો પોકળ સાબિત સાબિત થઈ રહી હોવાનું સામે આવ્યું છે...
પાટણ જિલ્લાના રાધનપુરમાં પીવાના પાણીની પારાયણ સર્જાતા મહિલાઓ રણચંડી બની છે. રાધનપુર તાલુકાના સરદારપુરા ગામ ખાતે આવેલી સરદારનગર સોસાયટીની મહિલાઓ છેલ્લા બે વર્ષથી પીવાના પાણીને લઇને હાલાકી ભોગવતી હોય પીવાનું પાણી ન મળતા રાધનપુર તાલુકા પંચાયત કચેરી ખાતે મામલતદાર કચેરી ખાતે પહોંચતી હતી.