જૂનાગઢ : ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાન હેઠળ દરેક વિધાનસભા સીટ પર કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાનમાં ગાડાઓને પસાર થવા જેટલા નાના ગાડા કેડીને લઈને ખેડૂતોએ સવાલો કર્યા છે. એક તરફ ભારતને વિકસિત દર્શાવવામાં આવે છે, તો બીજી તરફ ગાડું પસાર થઈ શકે તેવા માર્ગની વ્યવસ્થા આજે પણ નથી, તેવા સવાલ વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાન અંતર્ગત સામે આવ્યા છે.
વિકસિત ભારત સંકલ્પ પત્ર : કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભાજપ દ્વારા તાલુકા અને વિધાનસભા ક્ષેત્રમાં સામાન્ય લોકો તેમના સૂચન વડાપ્રધાન સુધી મોકલી શકે તે માટેના બોક્સની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં કોઈપણ વ્યક્તિ તેમના વિસ્તારમાં ન થયેલ કામને સૂચન રૂપે મોકલીને તે કામ પૂર્ણ થાય તેવી માંગ કરી શકે છે. એક તરફ ભાજપ ભારતને વિકસિત દર્શાવી રહ્યું છે, તો બીજી તરફ આ અભિયાનમાં વર્ષો પૂર્વે સમાધાન થઈ જવું જોઈતું હતું તેવા ખૂબ જ નાના અને પાયાના પ્રશ્નો જોવા મળ્યા છે.
ગાડા માર્ગની સમસ્યા : ખેડૂતોને બે ખેતર વચ્ચેના ગાડા કેડાની સમસ્યા આજે પણ સર્જાઈ રહી છે. આ સમસ્યાનું નિરાકરણ વર્ષો પૂર્વે થઈ જવું જોઈએ, પરંતુ આજે પણ વિકસિત ભારતના દાવા વચ્ચે ખૂબ જ સામાન્ય કહી શકાય તેવી સમસ્યા ઉભી છે. બે ખેતર વચ્ચે ટ્રેક્ટર કે ગાડું લઈને પસાર થઈ શકે તે માટે વ્યવસ્થા હજુ સુધી ઉભી કરવામાં કેન્દ્ર કે રાજ્ય સરકાર નિષ્ફળ રહી છે. ત્યારે ખેડૂતોએ આ સમસ્યાનો ઉકેલ આવે તે માટેના સૂચનો ફરિયાદ રૂપે વિકસિત ભારત સંકલ્પ પત્ર અભિયાન અન્વયે સૂચન બોક્સ દ્વારા વડાપ્રધાનને મોકલ્યા છે.
સ્થાનિક ખેડૂતોની માંગ : માણાવદર તાલુકાના જિલાણા ગામના ખેડૂત વિનુભાઈએ બે ખેતર વચ્ચે ગાડા કેડાને મોટો કરવાની તેમની વર્ષો જૂની સમસ્યા આજે વડાપ્રધાનને મોકલી છે. બે ખેતર વચ્ચે ખૂબ સાંકડો માર્ગ હોવાને કારણે ખેડૂતો વચ્ચે ક્યારેક તકરારની સ્થિતિ પણ ઊભી થાય છે. ત્યારે વિકસિત ભારત યોજના અંતર્ગત બે ખેતર વચ્ચેના માર્ગને પણ પહોળો કરવામાં આવે તો ખેડૂતો વચ્ચેની દૈનિક તકરારો નિવારી શકાય તેવી માંગ ખેડૂતે કરી છે.