બનાસકાંઠા: પાલનપુર શહેરના સુખબાગ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી ઉભરાતી ગટરો અને ખોદેલા રોડથી સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. અનેકવાર પાલિકામાં રજૂઆતો છતાં પાલિકા તંત્ર સાંભળતું નથી તેવા સ્થાનિકોએ આક્ષેપો કરતા કહ્યું કે, દર ચોમાસામાં આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પ્રિ મોન્સૂનની કામગીરી પાછળ પાલિકા લાખો રૂપિયા ખર્ચ કરે છે. છતાં આ પરિસ્થિતિ આજ દિન સુધી બદલાઈ નથી. સ્થાનિકોએ કહ્યું કે, બાજુમાં મસ્જિદ આવેલી છે, ત્યારે ઉભરાતી ગટરના ગંદા પાણીમાંથી લોકોને ચાલવા મજબૂર બનવું પડી રહ્યું છે અને આ વિસ્તારમાં ખોદી નાખેલા રોડથી સ્કૂલે જતા બાળકોને પણ ખૂબ જ તકલીફો પડી રહી છે. જો કે, અમે ઘણી વખત પાલિકામાં રજૂઆતો કરી છે. પરંતુ આ સમસ્યાનો કાયમી ધોરણે કોઈ જ નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી.
પાલિકા દ્વારા કોઇ પગલા લેવાતા નથી: આ વિસ્તારમાં વિવિધ સમસ્યાઓથી કંટાળી ગયેલા સ્થાનિકે જણાવ્યું કે, પાલિકામાં મેં અનેક વાર રજૂઆતો કરી છે. પરંતુ પાલિકા તંત્ર જાણે જાડી ચામડીનું બની ગયું હોય તેમ અમારી સમસ્યાના નિરાકરણ માટે કોઇ જ પગલાં લીધા નથી. હવે તો એટલા હદે કંટાળી ગયા છીએ કે, આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કે આત્મવિલોપનના કાર્યક્રમો આપવા પડે તેવી પરિસ્થિતિ છે. પાલિકા તંત્ર રાજાશાહી જેવુ શાસન ચલાવી રહી છે આ અંગે અમે સાંસદ ગેનીબેન ઠાકોર સુધી રજૂઆતો કરી છે.
વિપક્ષ નેતાએ ભૂખ હડતાલની ચીમકી ઉચ્ચારી: આ અંગે પાલિકાના વિપક્ષ નેતા અંકિતા ઠાકોરે પણ પાલિકાની કામગીરી સામે અનેક સવાલ ઉઠાવ્યા છે તેમને કહ્યું કે, આ વિસ્તાર પાલિકા પ્રમુખનો મત વિસ્તાર છે અહીંયા થી દરરોજ પાલિકા પ્રમુખ પસાર થાય છે. તેમ છતાં વિસ્તારની પરિસ્થિતિ પ્રત્યે કોઈ જ ધ્યાન આપતા નથી. અહીંના લોકો ઉભરાતી ગટરો અને ખોદેલા રોડથી મુશ્કેલી વેઠી રહ્યા છે. જોકે પાલિકા તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી હતી જો આગામી 10 દિવસમાં આ સમસ્યાનુ નિરાકરણ નહીં આવે તો હું ભૂખ હડતાલ પર ઉતરીશ તેવી પાલિકાના વિપક્ષ નેતા અંકિતા ઠાકોર પણ ઉચ્ચારી છે.
પ્રિ મોન્સુનની કામગીરી પાછળ લાખો રુપિયા ખર્ચાયા: મહત્વનું છે કે, નગરપાલિકા તંત્ર દ્વારા દર ચોમાસા પહેલા પ્રિ મોન્સૂનની કામગીરી પાછળ લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે. પરંતુ આજે ઘણા વિસ્તારોમાં વર્ષો જૂની સમસ્યાઓ યથાવત જોવા મળી રહી છે. ત્યારે પાલિકા તંત્રની પ્રિ મોન્સૂનની કામગીરી સામે પણ અનેક સવાલો સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. જો કે, નજીવા વરસાદે જ પાલિકા તંત્રની પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાખી છે. ત્યારે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ આવે તો નીચાણવાળા વિસ્તારોની પરિસ્થિતિ શું થઈ શકે છે. તે કલ્પના બહાર છે.