પોરબંદર: ખેડૂતોને ખેત ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા ખરીફ પાકો મગફળી સહિતની જણસોની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કર્યો છે. પોરબંદર જિલ્લાનાં સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયા સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં માર્કેટિંગ યાર્ડ પોરબંદર ખાતે શુભારંભ કરાવ્યો હતો.
માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદીનો શુભારંભ: કેન્દ્રીય મંત્રી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં માર્કેટિંગ યાર્ડ ખાતે મગફળી ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો. ત્યારબાદ મંત્રીએ પોરબંદર શહેરમાં દુલીપ ક્રિકેટ સ્કૂલની મુલાકાત લીધી હતી અને દુલીપ ક્રિકેટ સ્કૂલની સુવિધાઓ વિષેની માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, ખરીફ પાકો મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન સરકાર મારફત કરવામાં આવેલ છે. સરકારે વર્ષ 2024-25 મગફળી માટે રૂ6783(રૂ.1356.60 પ્રતિ મણ), મગ માટે રૂ.8682 (રૂ.1736.40 પ્રતિ મણ), અડદ માટે રૂ.7400 (રૂ.1480 પ્રતિ મણ) તથા સોયાબીન માટે રૂ. 4892 (રૂ.978.40 પ્રતિ મણ) પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કર્યા છે.
શુભારંભમાં મહાનુભાવો રહ્યા ઉપસ્થિત: આ તકે પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમાર,ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન લખમણ ઓડેદરા,તાલુકા પંચાયત પ્રમુખ લિરીબેન ખૂટી, કલેક્ટર એસ. ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી કે. બી. ઠક્કર, જિલ્લા ખેતીવાડી અધિકારી, પૂર્વ મંત્રી બાબુ બોખરીયા,અગ્રણી રમેશ પટેલ સહિતનાં અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
આ પણ વાંચો: