જૂનાગઢ: ગિરનારની તળેટીમાં આવેલો અને પ્રાગ ઐતિહાસિક ધાર્મિક મહત્વ ધરાવતો પવિત્ર દામોદર કુંડ આજે અસ્વચ્છતાનું પ્રતીક બની રહ્યો છે. દામોદર કુંડની સફાઈની જવાબદારી રાજ્ય સરકારના યાત્રાધામ વિકાસ બોર્ડ ને આપવામાં આવી છે, પરંતુ વિકાસ બોર્ડના અધિકારીઓ જાણે કે જૂનાગઢમાં આવેલો દામોદર કુંડ તેમની યાદીમાંથી અચાનક અદ્રશ્ય થઈ ગયો હોય તે પ્રકારે સ્વચ્છતાને લઈને દુર્લક્ષ સેવી રહ્યું છે.
અસ્વચ્છતાનું પ્રતીક બન્યો દામોદર કુંડ: ચોમાસામાં પડેલા અતિભારે વરસાદ અને હાલ પણ ગિરનારની પહાડીમાંથી સતત વરસાદી પાણી પ્રવાહીત થઈ રહ્યું છે જેને કારણે દામોદર કુંડમાં ઠેર ઠેર લીલનું સમ્રાજ્ય જોવા મળે છે પરિણામે અહીંથી એક ડગલું ચાલીને નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ત્યારે અહીંના સ્થાનિક તીર્થગોર અને લોકો દ્વારા તાકિદે યાત્રાધામ વિકાસ બોર્ડ તેની જવાબદારી સમજે અને દામોદર કુંડની પવિત્રતા અડીખમ રહે તે પ્રકારે સ્વચ્છતા અભિયાન હાથ ધરે તેવી માંગ કરી છે.
સ્વચ્છતાની ઉજવણીમાં દામોદર કુંડ વિસરાયો: સમગ્ર રાજ્યની સાથે જૂનાગઢમાં પણ સ્વચ્છતા મહાપર્વ ચાલી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો ગણાતો દામોદર કુંડ સ્વચ્છતા માટે જાણે કે ભૂલાયો હોય તેવો માહોલ પણ જોવા મળે છે. છેલ્લા કેટલાક દિવસોથી સ્વચ્છતા અભિયાન સતત ચાલતું જોવા મળે છે જેમાં જૂનાગઢ શહેરના સ્વચ્છ અને જ્યાં દરરોજ સાફ-સફાઈ થાય છે તેમજ અહીં પાણીનો કોઈપણ પ્રકારનો ભરાવો થતો નથી તેવા સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. પરંતુ વાસ્તવમાં જે જગ્યા પર સ્વચ્છતાની ખાસ જરૂર છે અને જે સ્થળનું ધાર્મિક મહત્વ પણ સમગ્ર દેશ વિદેશમાં છે તેવા દામોદર કુંડને આજે પણ ભૂલી જવામાં આવ્યો છે જેને કારણે સ્થાનિક લોકો અને દામોદર કુંડના તીર્થ પુરોહિતો યાત્રાધામ વિકાસ બોર્ડ સામે ભારોભાર નારાજગી વ્યક્ત કરીને તાકિદે દામોદર કુંડની સફાઈ શરૂ કરે નહીંતર જૂનાગઢના લોકો અને તીર્થ પુરોહિતો યાત્રાધામ વિકાસ બોર્ડ સામે આંદોલન પર પણ ઉતરી શકે છે તેવી માર્મીક વિનંતી યાત્રાધામ વિકાસ બોર્ડને કરી છે.
આ પણ વાંચો: