કચ્છ: “એક મિશન એક આદર્શ મિશાલ” દેશના યુવાન ઉમેશ જાધવ પુરા દેશના શહીદ વીરોના વતનની માટી લઇને પુલવામામાં જ્યારે આપણા વીરો શહીદ થયા હતા એ જગ્યા પર વીરોના આંગણાની માટીથી ઐતહાસિક નકશો- શહીદ સ્મારક બનાવાના મિશનથી નીકળ્યા છે. ત્યારે કચ્છની ભુમીના પણ શહીદ વીરોના વતનની માટીનો હિસ્સો પણ ત્યાં શહીદ સ્મારકમા મૂર્તિમંત થાય તે માટે કચ્છના વીર જવાન માણશી ગઢવીના ઘરની માટી લેવા કચ્છ યાત્રા એ પહોંચ્યા છે.
સૈનિકોની માતૃભૂમિની માટી એકઠી કરીને બનાવાશે શહીદ સ્મારક
ઔરંગાબાદના 44 વર્ષીય ઉમેશ ગોપીનાથ જાધવ દેશભરમાંથી શહીદ થયેલા સૈનિકોની માતૃભૂમિની માટી એકઠી કરીને સરકારને સોંપાશે, જેમાંથી એક શહીદ સ્મારકનું નિર્માણ કરવામાં આવશે. આ એવું પ્રથમ સ્મારક હશે જે નાગરિકો તરફથી દેશની ત્રણેય સેનાને સમર્પિત કરવામાં આવશે. 6 વર્ષથી શહીદોની માતૃભૂમિની માટીને માન આપવા કાશ્મીરથી કન્યાકુમારી એમ દેશનો ખૂણેખૂણો ખૂંદી વળેલા ઉમેશે અત્યાર સુધી 200 જેટલા શહીદોની માટીના કળશ ભેગા કર્યા છે અને 1.5 લાખ કિલોમીટરની યાત્રા કરી ચૂક્યા છે.
શહીદોની માટીના 200 કળશ
14મી ફેબ્રુઆરી, 2019ના દિવસે પુલવામા પર આતંકવાદી હુમલો થયો ત્યારથી વીર શહીદોના ઘરે જઇને તેમના પરિવારને નમન કરવાની પરંપરા શરૂ કરી હતી. ઉમેશ જાધવે અત્યાર સુધી એકઠી કરેલી શહીદોની માટીના 200 કળશ અને જાંબાઝ જવાનોની ગૌરવગાથાની ઝલક સમાવતા ખાસ તૈયાર કરેલા વાહન સાથે તે શહીદોના ગામો અને ઘરની મુલાકાત લઈ રહ્યા છે.
કચ્છના વીર શહીદ જવાનના ઘરની માટી એકત્રિત કરાઈ
કચ્છના વીર શહીદ જવાન માણશી ગઢવીના ઘરની માટી લેવા કચ્છ આવેલા ઉમેશ જાધવે ઝરપરા ગામની મુલાકાત લીધી હતી. વીર શહીદના પરિવારને પ્રણામ કરીને તેના ઘરની માટી જ્યારે માંગવામાં આવી ત્યારે શહીદના પરિવારની આંખે ગૌરવના આંસુ આવી ગયા હતા, અને વીર શહીદ માણશી ગઢવીના પિતા રાજદેભાઈ સુમારભાઈ, મોટા ભાઈ નારણભાઈ રાજદે, ભત્રીજા યસ નારણભાઈ ગઢવીએ માટી કળશમાં ભરીને અર્પણ કરી હતી.
દેશમાં 1.50 લાખ કિલોમીટરની યાત્રા કરી
ઉલ્લેખનીય છે કે દેશભક્તિના ભાવ સાથે શહીદો માટે કોઇપણ નાગરિકે દેશમાં 1.50 લાખ કિલોમીટરની યાત્રા નથી કરી. આ ઉપરાંત ઉમેશ શહીદોના ઘર-ગામની માટીની સાથોસાથ જે ભૂમિ પર શહીદોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે તે સ્થળોની પણ માટી એકઠી કરી રહ્યા છે. વધુ માહિતી આપતા ઉમેશે જણાવ્યું હતું કે, તેમને પ્રથમ વિશ્વયુદ્ધ લડેલા સૈનિકોની ત્રીજી પેઢીએ પણ ઉમેશને માટી આપી છે. તો વર્ષ 1947, 1962 અને 1971નાં યુદ્ધો તેમજ 1999ના કારગિલ યુદ્ધના શહીદોના ઘરની માટી પણ કળશમાં ભરીને સંગ્રહ કરવામાં આવી રહી છે.
શાળાઓમાં જઇને બાળકોમાં દેશભક્તિની ભાવની કેળવણી માટેના પ્રયત્નો
ઉમેશ જાધવ મૂળ મહારાષ્ટ્રના ઔરંગાબાદના વાતની છે. પરંતુ વર્ષ 2004થી બેંગલોરમાં સ્થાયી થયા છે. ઉમેશ દેશના ખૂણેખૂણે જઈને શહીદોના ઘરની માટી તો એકત્રિત કરે જ છે સાથે સાથે તે શાળાઓમાં જઇને બાળકોમાં દેશભક્તિ, સૈનિકો પ્રત્યે સન્માન ભાવની કેળવણી માટે પણ પ્રયત્નો કરે છે. ઉમેશને પુલવામા આતંકવાદી હુમલાના શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરવાના સત્તાવાર સમારોહમાં પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાની તક મળી હતી.
'દેશભક્તિ મન અને કર્મમાં પણ હોવી જોઈએ'
પુલવામા શહીદ સ્મારક નિર્માણમાં પણ ઉમેશ જાધવે પોતે એકત્રિત કરેલી માટી આપી હતી. દેશભક્તિ માત્ર લોકોના બોલીમાં નહીં, મન અને કર્મમાં પણ હોવી જોઇએ તેવું તે માને છે. તો ઉમેશની આ યાત્રાઓ દરમિયાનના ખર્ચની વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, તેની જેમ તેને દરેક સ્થળે કોઈને કોઈ દેશભક્ત મળી જતા હોય છે, જે તેની ગાડીમાં ક્યારેક ડીઝલ ભરાવી આપે છે તો કોઈ દેશભક્ત યથાશકિત અનુદાન પણ આપે છે. કેટલાક શહીદોના ઘરેથી શહીદોની યાદીની વસ્તુઓ જેવી કે સાઇકલ, સ્કુટી, ટેલિફોન, હેલ્મેટ જેવી વસ્તુઓ પણ પરિવારજનો આપી રહ્યા છે.
આ પણ વાંચો: