રાજકોટ: ધોરાજી શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલ છેલ્લા ઘણા સમયથી ખુદ હોસ્પિટલ જ જાણે પથારીમાં પડી હોય તેવી બાબત સામે આવી છે કારણ કે, અહીંયા હોસ્પિટલમાં ડાયાબિટીસ, બ્લડપ્રેશર, બાળકોને લાગતી અનેક જરૂરિયાતની દવાઓની અછત હોવાનું સામે આવ્યું છે. પરિણામે અહીં આવતા દર્દીઓ અને સવલતો મેળવતા વિવિધ પ્રાંતના દર્દીઓ માટે મુશ્કેલી ભર્યા દિવસો પસાર થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે, જો કે આ મામલે સામાજિક આગેવાન દ્વારા દર્દીઓની મુશ્કેલી અને હેરાનગતિને તાત્કાલિક અસરથી દૂર કરી સરકાર તેમજ તંત્ર દ્વારા જલ્દીથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
સરકાર દ્વારા બેસ્ટ સરકારી હોસ્પિટલનો એવોર્ડ મળેલ છેઃ ધોરાજી સરકારી હોસ્પિટલમાં છેલ્લા ઘણા દિવસોથી દવાઓની અને સુવિધાઓની અછતને લઈને માંગ કરતા ધોરાજી માનવ સેવાના ધર્મેન્દ્ર બાબરીયાએ જણાવ્યું છે કે, ધોરાજી સરકારી હોસ્પિટલને રાજ્ય સરકાર દ્વારા બેસ્ટ સરકારી હોસ્પિટલનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારે હોસ્પિટલમાં દર્દીઓને મળતી દવાઓ જેમકે ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને એસિડિટી સહિતની પ્રાથમિક જરૂરિયાતની દવાઓ અને રોજિંદા ઉપયોગમાં લેવાતી દવાઓનો જથ્થો છેલ્લા ઘણા દિવસોથી ખાલી છે.
દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે: આ મામલે અગાઉ પણ તંત્રને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી, છતાં આ રજૂઆતનું કોઈ પણ પ્રકારે નિવેડો નહીં આવતા પરિણામે વિવિધ વિસ્તારોમાંથી આવતા દર્દીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જેથી સરકાર અને તંત્ર દ્વારા લોકોના આરોગ્ય માટે આપવામાં આવતી સેવાઓ અને સુવિધાઓ જેમાં ખાસ કરીને દવાઓનો તેમજ જરૂરિયાતનો જથ્થો અને સુવિધાઓ વહેલી તકે આપવામાં આવે તેવી માંગ કરી છે.
હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક શું કહે છેઃ દવાના જથ્થાની કમી અંગે માહિતી આપતા ધોરાજી સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક ડો. હેમલતા સલવેલકર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધોરાજી સરકારી હોસ્પિટલમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ, એસિડિટી તેમજ બાળકોને લગતી દવાઓ છેલ્લા ઘણા સમયથી ખાલી છે. જેમાં અંતિમ સ્ટોક ડિસેમ્બર મહિનામાં આવ્યો હતો જે બાદ સ્ટોક નથી આવ્યો. આ સ્ટોકની કમીની બાબતને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે તેવું પણ જણાવવામાં આવ્યું છે. આ સાથે તેમને એવું પણ જણાવ્યું છે કે, દવાની બહારથી ખરીદી કરવા માટેની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે અને આગામી દિવસોમાં વહેલામાં વહેલી તકે સુવિધાઓ અને જથ્થો દર્દીઓ માટે મળી રહેશે તેવું પણ જણાવ્યું છે.