પાટણઃ સમીના રાજપુર પ્રાથમિક શાળામાં નટવરભાઈ દરજી આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા. તેઓ શાળાની છત પર પતરા ગોઠવવા ચઢ્યા હતા. આ દરમિયાન પતરું તુટી જતા તેઓ નીચે પટકાયા હતા. આ ઘટનામાં આચાર્યનું કરુણ મૃત્યુ નીપજ્યું હતું. મૃતક આચાર્ય સમીના ભદ્રાડા ગામના વતની હતા.
સમગ્ર ઘટનાક્રમઃ પાટણ જિલ્લા સમી તાલુકાની રાજપુર પ્રાથમિક શાળાના આચાર્યએ બુધવારે આગામી ચોમાસાને લઈ સ્કૂલની સાફ સફાઈ હાથ ધરી હતી. ઉનાળુ વેકેશનમાં સ્કૂલના પતરા પર પડેલ કચરો સાફ કરવા માટે સ્કૂલના આચાર્ય નટવરભાઈ દરજી સાફ સફાઈ કરવા માટે ચડ્યા હતા. જેનાથી ચોમાસા દરમિયાન વર્ગખંડમાં પાણી ના પડે અને વિદ્યાર્થીઓને હેરાન ન થવું પડે. આ દરમિયાન અચાનક સિમેન્ટનું પતરું તૂટતા નીચે રૂમ પટકાયા હતા. ઊંધા માથે નીચે પટકાયા ગંભીર ઈજાઓ થઈ હતી. જે બાદ તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબે મૃત જાહેર કર્યા હતા. પ્રાથમિક શાળાના આચાર્ય નટવરભાઈ વજાભાઈ દરજીનું મોત થતા પરિવાર તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
67 શાળાઓને આદેશઃ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે. DPEOના જણાવ્યા અનુસાર શાળા જર્જરિત હોવાની કોઈ રજૂઆત મળી ન હતી. સમગ્ર જિલ્લામાં 67 શાળાના જર્જરિત રુમો ઉતારી લેવાના આદેશ કરી દેવાયા છે.