પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિવિધ અભ્યાસક્રમો ચલાવતા સંચાલક મંડળના સંચાલકો દ્વારા કુલપતિને આપેલ આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં ફી ઘટાડા સહિતના વિવિધ 6 મુદ્દાની રજૂઆત કરવામાં આવી છે. એક સંચાલકે જાહેરમાં જ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતી LIC ટીમમાં આવનાર સભ્યો કવર માંગવા આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
ચાલુ જોડાણની ફી ઘટાડોઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રતિ વર્ષે કોલેજો પાસેથી ચાલુ જોડાણની ફી રૂ 32,500 વસુલવામાં આવે છે. ભૂતકાળમાં યુનિવર્સિટી સાથે જોડાણ ધરાવતી કોલેજોની સંખ્યા ઓછી હતી જેથી વધારના ખર્ચને પહોંચી વળવા યુનિવર્સિટી આટલી રકમ લેતી હશે. હાલમાં 600 કરતા વધુ સેલ્ફ ફાયનાન્સ કોલેજો હોવાથી તથા સ્થાનિક તપાસ સમિતિના સભ્યોને ચૂકવવામાં આવતી રકમ કોલેજો દ્વારા ચૂકવવામાં આવતી હોવાથી આ ફી રૂ.10,000 થી વધુ ન વસુલવી. તેવી માંગણી સંચાલક મંડળે કરી છે.
ફી રદ કરવાની માંગણીઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પ્રતિ વર્ષે સેલ્ફ ફાયનાન્સ કોલેજો પાસેથી લીગલ ફી પેટે રૂા.4000 ફી વસુલવામાં આવે છે. જયારે ગ્રાન્ટેબલ કે ગ્રાન્ટ ઇન એઇડ કોલેજો પાસેથી આવી કોઇ રકમ વસુલવામાં આવતી નથી. અમારી જાણ મુજબ યુનિવર્સિટીને જે લીગલ ફી નો ખર્ચ થાય છે. તે પૈકી સેલ્ફ ફાયનાન્સ કોલેજો પાછળ ખાસ ખર્ચ થતો નથી. તો આ ફી રદ્દ કરવા માંગ કરી હતી. યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસે રમત ગમત તથા કલ્ચર ફી પેટે રૂા.60 રૂ વસુલવામાં આવે છે. ભૂતકાળમાં જે રકમ રૂા.30 હતી.
કવર માંગવાનો આક્ષેપઃ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન સેલ્ફ ફાઇનાન્સ કોલેજના સંચાલક મંડળ સેલ્ફ ફાઇનાન્સ કોલેજના વિવિધ 6 જેટલા પ્રશ્નોની કુલપતિને રજુઆત કરી આવેદનપત્ર આપ્યું હતું. જેમાં એક સંચાલકે જાહેરમાંજ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવતી LIC ટીમમાં આવનાર સભ્યો કવર માંગવા આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.