પાટણ : પાણીની કાયમી તંગીની સમસ્યાથી ત્રસ્ત એવા પાટણ જિલ્લાના સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પ્રજાની હાલત ઉનાળા પૂર્વે જ કફોડી બની છે. સરકાર દ્વારા નલ સે જલ યોજના અમલી બનાવીને તે સફળ રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. પરંતુ આ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે.
પીવાના પાણીની સમસ્યા : ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને એક બેડા પાણી માટે વલખા મારવા પડે છે. ટેન્કરોના ભરોસે ક્યારે પાણી આવશે તેની કાગડોળે રાહ જોઈને બેસી રહેવું પડે છે. સમી તાલુકાના અનવરપુરા ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે. જેથી ગામ લોકોની હાલત કફોડી બની છે. ઉનાળા પૂર્વે જ ગામ લોકોને ટેન્કરથી પાણી મેળવવું પડે છે. જેથી ગામ લોકો ચિંતિત બન્યા છે. ત્યારે અનવરપુરા ગામ લોકોની પીવાના પાણીની સમસ્યાનું પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે.
પાણી માટે મહિલાઓ કાગડોળે રાહ જોતી રહે છે : સમી તાલુકાના અનવરપુરા ગામે ભર શિયાળે પીવાના પાણીની બુમરાણ ઉઠવા પામી છે. લોકો પીવાના પાણી માટે રજળપાટ કરી રહ્યા છે. ટેન્કર દ્વારા પહોંચાડાતું પાણી ગામ લોકોને પૂરતા પ્રમાણમાં મળતું નથી. જેથી મહિલાઓને પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે. ખાનગીમાં પાણીનું ટેન્કર મોંઘા ભાવે મળે છે. જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તે પોસાય તેમ નથી તો બીજી તરફ ગામમાં નહેર કે તળાવમાં કોઈ જગ્યાએ પાણી નથી. ગામમાં બોર પણ નથી જેથી મહિલાઓ પાણી ભરવા માટે આસપાસના ખેતરોના બોર અને તળાવો ખૂંદવા મજબૂર બની છે માટે સરકાર દ્વારા આ વિસ્તારમાં પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે.
નલ સે જળ યોજના કાગળ પર : સરહદી વિસ્તાર એવા સાંતલપુર સમી અને રાધનપુર તાલુકામાં ઘણા વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે.અત્યાર સુધીમાં ભાજપ કોંગ્રેસ સહિતની સરકારો આવી છતાં આ વિસ્તારની પાણીની સમસ્યા આજદિન સુધી ઉકેલાઈ નથી. સરકારની નલ સે જલ યોજના પાટણ જિલ્લાના અંતરિયાળ ગામોમાં માત્ર કાગળ ઉપર જ સીમિત હોય તેમ અનવરપુરા ગામે પાણીની ઉભી થયેલી સમસ્યા પરથી પ્રતીત થાય છે.