પાટણ : પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે સ્વયંભૂ અવડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં અને અરવડેશ્વર મહાદેવના દર્શન કર્યા બાદ પાટણ જિલ્લાના વિવિધ વિભાગોના 305.04 કરોડના 145 વિકાસ કાર્યોનું ઈલોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું હતું.
કયા કયા વિભાગના કાર્યો છે : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પંચાયત વિભાગ, જિલ્લા આયોજન અધિકારીની કચેરી, પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, વિભાગીય નિયામક એસ.ટી મહેસાણા અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું હતું.
મુખ્યપ્રધાને પીએમ મોદીની ગેરંટી દોહરાવી : આ પ્રસંગે મુખ્યપ્રધાને જણાવ્યું કે 15 દિવસમાં વડાપ્રધાનના હસ્તે 1 લાખ કરોડના વિકાસ કાર્યોની ભેટ મળી છે. સુશાસન સાથે જન કલ્યાણની સેવાનો સંકલ્પ આજે સાકાર થઈ રહ્યો છે. પ્રજાના સપના અને સંકલ્પ સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરંટી છે. આરોગ્ય ક્ષેત્રે આવેલા અમૂલ પરિવર્તનોથી રાજ્યમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઘણું વિકાસ પામ્યું છે, જેથી ગ્રામ્ય સ્થળે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો કાર્યરત છે, તેથી ગ્રામ્ય વિસ્તારના લોકોને પણ સરળતાથી આરોગ્યની સેવાઓ ઉપલબ્ધ બની છે. આજે સિદ્ધપુર ખાતેથી પાટણ જિલ્લાના છેવાડાના માનવી સુધી વિકાસલક્ષી કાર્યો પહોંચે તે માટે ઈ લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિ પૂજનના કામો કરાયાં હતાં.
પાટણમાં નારી શક્તિ વંદનામાં પણ હાજર રહ્યાં સીએમ : આ પહેલાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે આયોજિત 'નારી શક્તિ વંદના' કાર્યક્રમમાં સખીમંડળની બહેનોએ પોતે સરકારની સહાયથી આજીવિકા મેળવી આત્મનિર્ભર બની તેની કહાની સ્વમુખે લોકો સમક્ષ રજૂ કરી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મહાનુભાવો દ્વારા લાભાર્થીઓને યોજનાકીય સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ 'નારી શક્તિ વંદના' કાર્યક્રમ ગુજરાતના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં આયોજિત કરવામાં આવ્યો હતો.