પાટણ: પાટણના હારિજમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના આવી સામે છે. જેમાં પ્રાથમિક શાળાના આચાર્ય પર ધો.6ની વિદ્યાર્થિનીઓ સાથે અપડલાં કરવાનો આરોપ લાગ્યો છે. ઘટનાને લઈને પોલીસ દ્વારા શાળાના આચાર્ય સામે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. નોંધનીય છે કે, આ પહેલા દાહોદમાં પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. જેમાં શાળાની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. જે દરમિયાન શાળાના જ આચાર્ય સામે ગંભીર આરોપ લાગ્યા હતા. ઘટનાને લઈને રાજ્યભરમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે ફરી એકવાર રાજ્યમાં આ પ્રકારની ઘટના સામે આવી છે.
આચાર્ય પર અડપલાં કરવાનો આરોપ
વિગતો મુજબ, પાટણના હારીજ તાલુકાના એક ગામમાં પ્રાથમિક શાળાના આચાર્ય પર ગંભીર આરોપ લાગ્યા છે. શાળાની ધો.6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓએ આચાર્ય સામે અડપલાં કરવાનો આરોપ લગાવ્યો છે. બાળકીઓએ ઘરે જઈને પરિવારજનોને જાણ કરતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. જે બાદ બાળકીઓના પરિજનોમાં રોષ ફેલાયો હતો.
વાલીએ આચાર્ય વિરુદ્ધ કરી પોલીસ ફરિયાદ
વિદ્યાર્થિનીઓની ફરિયાદના આધારે પરિજનોએ હારિજ પોલીસ સ્ટેશનમાં શાળાના આચાર્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે આચાર્ય દ્વારા પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હોવાનું પણ સામે આવી રહ્યું છે. પરંતુ કલંકિત કરતી ઘટનામાં માફીને સ્થાન નહીં મળતા શાળાના આચાર્ય વિરૂદ્ધ પૂરતી તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવા માગ બાળકીઓના પરિજનો દ્વારા કરવામાં આવી છે. ત્યારે જોવાનું રહેશે તે પોલીસની કાર્યવાહીમાં શું સામે આવે છે અને જો દોષિત સાબિત થાય તો આચાર્ય સામે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.
આ પણ વાંચો: