જૂનાગઢ: જૈન ધર્મમાં પર્યુષણ મહાપર્વને ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. મહાવીર સ્વામી દ્વારા દર્શાવવામાં આવેલા માર્ગ પર ચાલીને પ્રત્યેક જીવ પર્યુષણ મહાપર્વ દરમિયાન પોતાના આત્મા પર લાગેલા કર્મના ઝાળાને દૂર કરવાના ઉત્સવ રૂપે પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વની ઉજવણી કરતા હોય છે. પરોણાસૂત્રમાં મહાવીર સ્વામી દ્વારા 23 પદવીને ઉત્તમ ગણાવવામાં આવી છે. જે પૈકી શ્રાવકની પદવી અતિ ઉત્તમ ગણાવવામાં આવી છે. આજથી શરૂ થઈ રહેલા પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વને લઈને એક અઠવાડિયા સુધી શ્રાવક અને શ્રાવિકાઓ એકબીજાને મિચ્છામી દુક્કડમ કહીને વર્ષ દરમિયાન થયેલા કોઈપણ જીવના અવિનયના ભાગરૂપે ખમત ખામણા કરીને પર્યુષણ મહાપર્વ ઉજવશે.
મહાવીર સ્વામીએ દર્શાવેલ 23 પદવી: ભગવાન મહાવીર સ્વામીએ પરોણા સૂત્રમાં 23 પદવીનો ઉલ્લેખ કર્યો છે, તે મુજબ તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ, માંડલીક, રાજા, કેવડી અને સાધુની સાથે સમકિતી મળીને કુલ 9 પદવી ચક્રવર્તીના સાત એકેન્દ્રીય રત્નો અને ચક્રવર્તીના સાત પંચ રત્નો આમ મળીને કુલ 23 પદવીનો ઉલ્લેખ પરોણા સૂત્રમાં જોવા મળે છે. જેમાં સૌથી શ્રેષ્ઠ અને સારી પદવી શ્રાવકની પદવી માનવામાં આવે છે.
આઠ દિવસ સુધી આત્માની સફાઇ: પર્યુષણ મહાપર્વ દરમિયાન કોઈપણ જીવનો વર્ષ દરમિયાન અવિનય થયો હોય તો પ્રતિક્રમણ બાદ તે જીવની માફી માંગવા માટે પર્યુષણ મહાપર્વ હોય છે. જૈન ધર્મમાં પરિગ્રહ ભાવને છોડવાનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે મુજબ પર્યુષણ મહાપર્વમાં દાન પુણ્યનું પણ મહત્વ જોવા મળે છે. પર્યુષણ મહાપર્વની શરૂઆતથી લઈને આઠ દિવસ સુધી આત્માની સફાઇ કરવાની સાથે સંવત્સરીના દિવસે સાથે મળીને એકબીજા સામે પ્રતિક્રમણ કરીને માફી માગી અને પર્યુષણ મહાપર્વના પારણા કરવાના હોય છે.