અમદાવાદ: રાજકોટમાં ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ 16 એપ્રિલે વિવાદ વચ્ચે ફૉર્મ ભર્યું હતું. એવામાં નારાજ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ- 2ની ચીમકી આપી 19 એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું. પરંતુ રૂપાલા દ્વારા ફૉર્મ પાછું ન ખેંચતા હવે આગામી પાર્ટ- 2 શરૂ કરવાની રણનીતિ ઘડવા માટે આજે સંકલન સમિતિની બેઠક મળી હતી. રાજપૂત સમાજની 92 સંસ્થાના પ્રતિનિધિઓની એક મહત્ત્વની બેઠક ગોતા રાજપૂત ભવન ખાતે રાખવામાં આવી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ એક પ્રેસ-કોન્ફરન્સ કરી આગામી કાર્યક્રમો અંગે જાણ કરવામાં આવી હતી.
બહેનો ઉપવાસ કરશે: ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ કરણસિંહ દ્વારા કેટલીક મોટી જાહેરાતો કરવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું કે, રૂપાલા દ્વારા આપેલ અલ્ટિમેટમમાં ઉમેદવારી પાછી નહીં ખેંચાય તો આવતીકાલથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં બહેનો 7 મે સુધી ક્રમિક રીતે 1 દિવસીય પ્રતિક ઉપવાસ કરશે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલ જાહેરનામાનો પણ વિરોધ કર્યો. કાળા વાવટા ન ફરકવા અંગેના જાહેરનામાં પર તેમણે કહ્યું કે, આ લોકશાહીનું ખૂન છે. શાંતિ અને સંયમથી કેસરિયા ધ્વજ સાથે વિરોધ કરશે જેમાં રામજી હશે. સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાંથી ધર્મ રથ નીકળશે.
હવે અમારું લક્ષ્ય બોયકોટ ભાજપ: 300 મહિલાની ફૉર્મ ભરવાની વાત પર તેમણે કહ્યું કે, યુદ્ધમાં રણનીતિ હોય છે જે બદલવામાં આવી છે. સમાજના અન્ય આગેવાનોને મળ્યા ત્યારે ધ્યાનમાં આવ્યું કે તેમને હરાવવામાં મતો તૂટી જશે. મહિલાઓએ ફોર્મ ભરવાનું મોકૂફ રાખ્યુ. તેમણે કહ્યુ કે, અમે ભાજપનો વિરોધ કરીશું પરંતુ કયા પક્ષને મત આપશે તેની કોઈ સ્પષ્ટતા ન કરી. ભાજપનો વિરોધ કરીશું એટલે સામે જે પક્ષ હશે એને ફાયદો થશે. સર્વાનુમતે અમે ઠરાવો કર્યા છે. હવે પુરુષોત્તમ રૂપાલાની વાત પૂરી થઈ ગઈ. લોકોને હવે સાથે લાવવાના છે. હવે અમારું લક્ષ્ય ભાજપ બોયકોટ છે. વધુમાં જણાવતા કહ્યું કે, અમે 100 ટકા રૂપાલાને હરાવીશું. અમે તેમના વિરોધમાં બુથ સુધી જઈશું. 8 સીટો પર ભાજપ ડેમેજ થાય છે. 26 બેઠકો પર અમારે ભાજપને ડેમેજ કરવાનું છે. બનાસકાંઠા, સુરેન્દ્રનગર, ભાવનગર વગેરે જગ્યાએ ડેમેજ થશે. આજથી ભાજપનો બોયકોટ શરૂ થશે. ભાજપને કાંટાની ટક્કર આપીશું.