ભાવનગરઃ શહેરની નવાપરા બોડિંગ ખાતે રાજપૂત સમાજનું સંમેલન યોજાયું હતું. જેમાં ભાજપના પૂર્વ સાંસદ રાજેન્દ્ર સિંહ રાણાએ પણ હાજરી આપી હતી. પહેલા સમાજ પછી પક્ષનો ઈશારો પૂર્વ સાંસદે આપ્યો હતો. જો કે મંચ ઉપરથી તેમને હૃદયમાં હતું એ તેમણે સમાજ સમક્ષ બહાર ઠાલવી દીધું હતું. આ સંમેલનને અંતે કલેકટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું.
રાજેન્દ્ર સિંહે સમાજ માટે 25 વર્ષનો સબંધ પછી રાખ્યોઃ ભાવનગરના પૂર્વ ભાજપ સાંસદ રાજેન્દ્ર સિંહ રાણાએ રાજપૂત સમાજના સંમેલનમાં મંચ ઉપરથી કહ્યું હતું કે, રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોતમભાઈ રૂપાલા જેમની સાથે મારે મિત્રાચાર્યનો સંબંધ 25 વર્ષથી એક પાર્ટીમાં હોવાના કારણે છે. ચૂંટણી પ્રચાર કાર્યક્રમ દરમિયાન એમણે જે ટીપ્પણી કરી છે અને ઐતિહાસિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને 2 સમાજને તુલનાત્મક અભ્યાસ કરવા માટે એક સમાજને વધારે વખાણ કરવાના અને બીજા સમાજને નીચું દેખાડીને વખાણ કરવાના એમની જે ટિપ્પણી છે તેને કારણે આપણા સમાજની લાગણી દુભાણી છે. રોષ પણ ઉત્પન્ન થયો છે અને આંદોલનના માર્ગે આપણે છીએ.
વિશ્વની વસ્તી કરતા ગામે ગામ પાળિયાની સંખ્યા વધુઃ રાજેન્દ્ર સિંહ રાણાએ ગામે ગામ પાળિયાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાજપૂત સમાજ પરા પૂર્વથી આ દેશની પરંપરા, સંસ્કૃતિ અને ઈતિહાસનો રખેવાળ રહ્યો છે અને આગામી દિવસોમાં પણ રહેવાનો છે. આપણી જવાબદારી છે જેમાંથી આપણે છટકી શકે એમ નથી. આપણા દેશનો ઈતિહાસ જોઈએ તો આપણી એક એક ગામમાં જઈએ તો જે પાળીયાઓ છે ને તેના કરતાં આ વિશ્વની વસ્તી કરતાં તેની સંખ્યા વધી જાય એટલા છે અને એમણે આપણા રોટી અને બેટીની વાત કરી તેથી આપણે લોકો વધારે આહત થયા છીએ.
એના મોઢેથી કેમ અને કેવું નીકળ્યુંઃ દુઃખદ આશ્ચર્ય સાથે રાજેન્દ્ર સિંહ રાણાએ જણાવ્યું કે, મને પણ દુઃખદ આશ્ચર્ય થયું છે કે આ એના મોઢેથી કેમ અને કેવું નીકળ્યું. જો આપણે ટક્યા હોય આટલા વર્ષોથી ઓછામાં ઓછા દસ હજાર વર્ષથી તો આ દેશ ઉપર આપણા નાના મોટા રજવાડાઓ તરીકે રાજ કરીએ છીએ, એને 10,000 વર્ષ થયા હશે. આપણે કાયમ આપ્યું છે માથા પણ આપ્યા છે. એક હલુડા નથી આપણે 18 વર્ણને હારે રાખવાની ક્ષમતા અને ચાલવાની હિંમત જો કોઈનામાં હોય તો એ આ રાજપૂત સમાજમાં છે. આ આપણા આન બાન અને સાન સમાન માતૃશક્તિ ઉપર ટીપ્પણી છે એ મારા હૃદયમાં સોસરી ઉતરી ગયેલી છે.