ગાંધીનગરઃ પુરૂષોત્તમ રુપાલા દિલ્હીથી ગાંધીનગર પરત ફરતા જ બેઠકોનો દોર શરુ થઈ ગયો છે. આજે રૂપાલાને મળવા માટે ગાંધીનગરમાં તેમના નિવાસ્થાને હર્ષ સંઘવી અને રત્નાકર આવ્યા હતા. ત્રણેય આગેવાનોએ બંધ બારણે બેઠક કરી હતી . રૂપાલા મુદ્દે આજે નવા જૂની થવાની સંભાવના છે.
રુપાલાનો વિરોધ ઉગ્ર બન્યોઃ એક બાજુ ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે અડગ છે. રાજકોટ બેઠક પર ઉમેદવાર બદલાવવા માટે ભાજપ પર સતત દબાણ વધી રહ્યું છે. ભાજપ પરસોતમ રૂપાલાની ટિકિટ રદ કરીને ઉમેદવાર બદલે છે કે નહિ તે તો આવનારો સમય જ કહેશે પરંતુ અત્યારે રુપાલા માટે રાજપૂત સમાજનો વિરોધ વધી રહ્યો છે.
રાજપૂત આગેવાનો સમાજને મનાવામાં નિષ્ફળઃ ગઈકાલે ભાજપના ક્ષત્રિય આગેવાનો રાજપૂત સમાજને મનાવવામાં નિષ્ફળ ગયા છે. રાજપૂત સમાજ પુરૂષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરી ઉમેદવાર બદલવા પર મક્કમ છે. જો કે પાટીદાર સમાજ પુરૂષોત્તમ રૂપાલાની તરફેણમાં આવ્યો છે. રાજકોટ અને સુરતના પાટીદાર સમાજે પુરૂષોત્તમ રૂપાલાના સમર્થનમાં મીટીંગનું આયોજન કર્યું છે. બંને સમાજ સામસામે આવી ન જાય તેવો ભય રાજકીય વર્તુળોમાં વર્તાઈ રહ્યો છે.
એરપોર્ટ પર રુપાલાએ નિવેદન આપ્યુંઃ રુપાલા દિલ્હીથી પરત ફર્યા ત્યારે અમદાવાદ એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજ સહિત મને તમામ સમાજના લોકોનું પૂરેપૂરું સમર્થન છે. ક્ષત્રિય સમાજ મુદ્દે મારે હવે કંઇ કહેવું નથી. વિવાદને ભડકાવવાનો મારો કોઈ આશય નથી. મારા સમર્થનમાં તમામ સમાજ છે એટલે પાટીદાર અને ક્ષત્રિય કરવું નહીં. જ્યારે ક્ષત્રિય સમાજના આગેવાનોએ મને સમર્થન કર્યું છે. કોઈ ક્ષત્રિય વર્સીસ પાટીદાર નથી. હાલમાં આ મુદ્દે કઈ પણ બોલીને આગ લગાવવા માંગતો નથી. ગઈકાલે બેઠક થઈ તે બાબતે હું કોમેન્ટ કરુ એ યોગ્ય નથી કારણ કે, તેમાં અમારા આગેવાનો હોય તો એમને જ ખ્યાલ હોય.