ગાંધીનગર: કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાની ટિકિટ કાપવા માટે ક્ષત્રિય સમાજની માંગણી ઉગ્ર બનતી જાય છે. ગાંધીનગર પેથાપુર ચાર રસ્તે ક્ષત્રિયોની સભા યોજાઈ હતી. સભામાં મોટી સંખ્યામાં ક્ષત્રિય આગેવાનો ઉમટી પડ્યા હતા. રાજપૂત સમાજે એકી સુરે રૂપાલાની ટિકિટ રદ કરવા માંગણી કરી છે. જો રાજપૂત સમાજની માંગણી સ્વીકારવામાં નહીં આવે તો લોકસભા ચૂંટણીમાં દેશભરમાં ભાજપને નુકસાનની ચીમકી આપી હતી. ગાંધીનગર કલેકટરને રાજપૂત સમાજે આવેદનપત્ર આપ્યું હતું. આવેદન રાજપૂત સમાજની સભામાં મહિલાઓ પણ જોડાઈ હતી.
આગામી સમયમાં લડત ઉગ્ર બનશે:
સભામાં આગેવાનોએ જણાવ્યું કે સમાજની બેન દીકરીઓ પર ટિપ્પણી સહન નહીં થાય. ગુજરાતમાં ગામે ગામ ભાજપના ઉમેદવારો વિરુદ્ધ બેનર લગાડવામાં આવશે. જો રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો લોકસભા ચૂંટણીમાં ગંભીર પરિણામ આવશે. દરેક ગામમાં ભાજપના નેતાઓને ચૂંટણી પ્રચાર માટે ઘૂસવા દેવામાં નહીં આવે. ક્ષત્રિય સમાજ લોકસભા ચૂંટણીમાં એક સાથે ભાજપ વિરુદ્ધ મતદાન કરશે. સદીઓ સુધી રાજપૂતો બેન દીકરીઓની રક્ષા કરવા માટે પાળિયા બન્યા છે. બેન દીકરીઓની રક્ષામાં અનેક ક્ષત્રિયોએ શહીદી વહોરી છે. ક્ષત્રિય સમાજના અપમાનના પડઘા ગુજરાત ઉપરાંત ભારતભરમાં પડશે. આગામી દિવસોમાં વધુ ઉગ્ર કાર્યક્રમ અપાશે. દેશમાં 20 કરોડથી વધુ ક્ષત્રિયો રસ્તા પર ઉતારશે.
પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની સ્ત્રી શક્તિનું અપમાન કર્યું:
ગુજરાત રાજ્ય રાજપુત સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે ગાંધીનગર જિલ્લાના જુદા જુદા ગામોમાંથી મોટી સંખ્યામાં ક્ષત્રિય એકત્ર થયા હતા. ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે. પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની સ્ત્રી શક્તિનું અપમાન કર્યું છે. અમારી અસ્મિતા ઘવાઈ છે. રૂપાલાનું નિવેદન માફીને પાત્ર નથી. અમે છેલ્લા 13 દિવસથી ભાજપને જણાવીએ છીએ કે વ્યક્તિ સે બડા દલ, ઓર દલ સે બડા દેશ. ભાજપ માટે રૂપાલા અગત્યના ન હોવા જોઈએ. તેમના માટે ક્ષત્રિય સમાજની લાગણી મહત્વની હોવી જોઈએ. ક્ષત્રિય સમાજ આપવા આવ્યો છે. ક્યારે માગ્યું નથી. ક્ષત્રિયો દેશની અસ્મિતા માટે સદીઓ સુધી લડ્યા છે.
ગાંધીનગર કોલવડા ગામ ખાતે પણ રાજપુત સમાજે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો હતો. તેમણે પરુષોત્તમ રૂપાલાના પૂતળા દહન કર્યું હતું. રુપાલા અને ટિકિટ રદ્દ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈ પણ નેતાએ કોલવડામાં ચૂંટણી પ્રચાર કરવા ન આવું તેવા બેનર મારવામાં આવ્યા હતા.