જામનગરઃ સમગ્ર રાજ્યના રાજપુતો સહિત દેશના અન્ય રાજ્યોના રાજપુતો પણ રુપાલાના વિરોધમાં જોડાઈ ગયા છે. આ વિરોધ દિવસે ને દિવસે ઉગ્ર બની રહ્યો છે. આજે જામનગરની રાજપુત સમાજની મહિલાઓએ રુપાલા વિરોધ અંતર્ગત ધરણાં કાર્યક્રમનું આયોજન કર્યુ હતું. જેમાં તેમણે બેનર્સ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ ધરણાં કાર્યક્રમમાં રાજપુત સિવાય બ્રાહ્મણ સમાજની મહિલાઓ પણ જોડાઈ હતી. રાજપુત સમાજ હવે 18 વર્ણને આ વિરોધમાં લાવવાની તૈયારી કરી રહ્યો છે.
કુલ 7 દિવસ વિરોધ કાર્યક્રમઃ જામનગરની રાજપુત મહિલાઓએ આજે પરસોત્તમ રુપાલાના વિરોધમાં ધરણાં પ્રદર્શન યોજ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં રાજપુત મહિલાઓએ બેનર્સ પ્રદર્શિત કર્યા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વિરોધ પ્રદર્શન 22 એપ્રિલથી 1 મે સુધી એમ 7 દિવસ ચાલશે. આજે પ્રથમ દિવસે 22 જેટલી રાજપુત મહિલાઓ જોડાઈ હતી. જોકે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવી રાત્રે જામનગર ખાતે પહોંચ્યા હતા. રાજપુત સમાજના આગેવાનો તેમજ ભાજપના આગેવાનો સાથે બેઠક યોજી અને કોઈપણ ભોગે ચૂંટણી પહેલાં રાજપુત સમાજના વિરોધનું ડેમેજ કંટ્રોલ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે.
અન્ય સમાજ પણ જોડાયોઃ આજે રાજપુત સમાજની મહિલાએ જે વિરોધ પ્રદર્શન કર્યુ તેમાં બ્રાહ્મણ સમાજની મહિલાઓ જોડાઈ હતી. રાજપુત સમાજના ચંદ્રિકાબેન સોઢાએ જણાવ્યું હતું કે, અમે 18 વર્ણને સાથે લઈને આ વિરોધ કરીશું. 7 દિવસ સુધી અમે આ વિરોધ પ્રદર્શન કરીશું. આજે પણ અમારા વિરોધ પ્રદર્શનમાં બ્રાહ્મણ સમાજની મહિલાઓ પણ જોડાઈ છે. બ્રાહ્મણ સમાજની મહિલા આશીકા પંડ્યાએ જણાવ્યું હતું કે, અમે રાજપુત મહિલાઓની સાથે છીએ, નારીશક્તિની સાથે છીએ. આજે અમે પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છીએ.