રાજકોટઃ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયોની લડાઈ જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ શાંતપૂર્વક મજબૂતી તરફ વળી રહ્યું છે. આ આંદોલનમાં ગાંધી ચિંધ્યા માર્ગે ચાલતી અસહકારની ભાવનાનાં પણ દર્શન થાય છે. સાથે-સાથે આ લડાઈને ધર્મયુદ્ધનું પણ સ્વરૂપ આપાઈ ગયું છે. ક્યાંક હવે આ લડાઈ બૌદ્ધિક સ્વરૂપ પણ ધારણ કરી રહી છે. ઉપવાસ પર ઉતરેલી ક્ષત્રાણીઓ અસહકારની ભાવના પ્રદર્શિત કરે છે, જેમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ અને રૂપાલા વિરુદ્ધ ઉચ્ચારણોનો ઉપયોગ કરીને આ ક્ષત્રાણીઓ હવે તેમની અસ્મિતા મુદ્દે મેદાનમાં ઉતારી છે.
બૌદ્ધિક યુદ્ધના પગરણઃ બીજી તરફ રાજકોટ આખામાં લાગેલા હોર્ડિંગ શું ચૂંટણીપંચ દ્વારા નિર્ધારિત કરેલી આચારસંહિતા મુજબ લગાડવામાં આવ્યા હતા કે નહિ તે દિશામાં ક્ષત્રિયોએ બૌદ્ધિક યુદ્ધનો પણ આરંભ કરી દીધો છે. દરેક ક્ષત્રિય યુવાનને 5 મત ભાજપ વિરુદ્ધ પાડવા લોકોને સમજાવવા આવાહન કરવામાં આવ્યું છે. આ સ્વયંભૂ રીતે ફાટી નીકળેલું સામાજીક આંદોલનનું શમન હવે સમાજનાં નેતાઓ ઈચ્છે તો પણ તે શમે તેમ નથી. ક્ષત્રિયો હવે રૂપાલાનાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય પર કેટલા કપ ચા આવી જેવી બાબતોનો પણ હિસાબ રાખીને ચૂંટણીપંચ દ્વારા ઘોષિત કરેલી આચારસંહિતા મુજબનો ચૂંટણીખર્ચ થઈ રહ્યો છે કે નહિ તેનાં પર નજર રાખે છે. આમ આ લડાઈએ હવે બૌદ્ધિક સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે.
ધાર્મિક સ્વરુપઃ આગામી લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય બહુમતી માટે ધરાવતી આઠેક બેઠકો પર ક્ષત્રિયો ચોક્કસ અસર કરશે તેવા આશય સાથે ઘડાયેલી રણનીતિનાં સ્વરૂપે મંગળવારને દિવસે કચ્છ આશાપુરાધામ અને રાજકોટ આશાપુરા મંદિરેથી કાઢવામાં આવેલ ધર્મરથ એ સૂચવે છે કે આ લડાઈએ હવે ધાર્મિક સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે. આ રથ ગુજરાતભરની લોકસભા બેઠકો પર ફરી વળશે અને આ ધર્મરથ થકી લોકોને ક્ષત્રિયોની અસ્મિતાથી પ્રજાને અવગત કરાવશે.
18 વર્ણને અપીલ કરાશેઃ આ રથ ગામે-ગામે અને તાલુકે-તાલુકે ફરી વળશે અને સાથે અઢારે-અઢાર વર્ણના મતદારોને સાથે જોડશે. આ લડાઈ હવે એટલે મજબૂત બનવા જઈ રહી છે કારણ કે ક્ષત્રિય સંકલન સમિતિનાં 92 સભ્યોમાંથી હવે 500 સભ્યો થયા છે અને એક પણ સભ્ય ખડે તેવો નબળો નથી તેવો ક્ષત્રિય સમાજનો દાવો છે. અત્યારે ભારતીય જનતા પક્ષનાં સંગઠનનાં હોદેદારો કે સરકારનાં સભ્યો જેમની સાથે મીટિંગ કરી રહ્યા છે તે બધા ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજનાં આગેવાનો છે નહીં કે ક્ષત્રિય સંકલન સમિતિનાં આગેવાનો. તમામ પ્રકલ્પોને વેગવંતા બનાવવા માટે રાજકોટ સ્થિત ક્ષત્રિય સમાજે ક્ષત્રિય આસ્મિતા આંદોલનનાં નેજા હેઠળ કોઈ રાજકીય પક્ષની જેમ ક્ષત્રિય અસ્મિતા આંદોલન મધ્યસ્થ કાર્યાલય પણ શરુ કરી દીધું છે.
"અબ યાચના નહિ રણ હોગા ...": રતનપર ખાતે મળેલી ક્ષત્રિયોની સભામાં જો રૂપાલાની ટિકિટ રદ નહિ થાય કે એમની ઉમેદવારી પાછી નહિ ખેંચાય તો "અબ યાચના નહિ રણ હોગા ..." જેવા સૂરો સાંભળવા મળ્યા હતા. જો ક્ષત્રિયોની માંગને નહિ સ્વીકારવામાં આવે તો માત્ર ગુજરાત જ નહિ પરંતુ સમગ્ર ભારતમાં ક્ષત્રિયો ભારતીય જનતા પક્ષ વિરુદ્ધ મતદાન કરશે તેવો સ્પષ્ટ બહુમત રજુ કરવામાં આવ્યો હતો.
રાજકીય વિશ્લેષકોએ નજર જમાવીઃ આધારભૂત સૂત્રો અનુસાર સુરતમાં ન યોજાનારી ચૂંટણીને કારણે દક્ષિણ ગુજરાતનો શહેરી મતદાતાઓનો લેઉઆ પટેલોનો વર્ગ વેકેશનનાં દિવસોમાં ચૂંટણી હોવાને કારણે જો સૌરાષ્ટ્ર તરફ રૂખ કરે અને મતદાતાઓ તરીકે બહુમતી ધરાવતો આ લેઉઆ પટેલ મતદાતાઓનો વર્ગ સૌરાષ્ટ્રમાં ચાલી રહેલા રૂપાલા વિરુદ્ધ રાજપૂતોનાં આંદોલનમાં ચોક્કસ વર્ગનાં મતદાતાઓનું મન બદલવામાં સફળ જાય તો રૂપાલા વિરુદ્ધ રાજપૂતોની આ લડાઈ કઈ દિશામાં ફંટાય એના પર રાજકીય વિશ્લેષકો નજર જમાવીને બેઠા છે.