રાજકોટ: રાજા રજવાડા વિરુદ્ધ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મામલો શાંત પાડવા માટે ગોંડલના શેમળા ગામે જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ક્ષત્રિય સમાજની ખાસ બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં પરષોત્તમ રૂપાલાએ હાથ જોડીને ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. રૂપાલાની માફી છતાં વિરોધ ચાલુ છે. કરણી સેનાએ ઉમેદવાર બદલવાની માંગનો પુનરોચ્ચાર કર્યો છે. કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે અને ઉમેદવારની ટિકિટ રદ કરવાની માંગ કરી છે.
પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની સામે જાહેરમાં માફી માંગી. તેમણે કહ્યું કે મારા નિવેદનથી પાર્ટીને નુકસાન થયું છે. જેનો મને રંજ છે. મેં મારા આખા જીવનમાં ક્યારેય મારું નિવેદન પાછું લીધું નથી. પરંતુ આજે મારી પાર્ટી માટે હું મારું નિવેદન પાછું લઉં છું. મારા વિવાદાસ્પદ નિવેદન માટે હું સમગ્ર સમાજની માફી માંગુ છું.
આ વિવાદ અહીં પૂરો થયો - જયરાજસિંહ
એક કાર્યક્રમની અંદર સ્વભાવિક રીતે રૂપાલા સાહેબની ભૂલ થઈ. મને પણ દુ:ખ થયું હતું. મારી લાગણીને પણ ઠેસ પહોંચી હતી. પરસોત્તમ રૂપાલાએ એકવાર નહીં બેવાર માફી માગી લીધી, મને લાગે છે આ વિષય અહીં પૂરો થાય છે. ક્ષત્રિય સમાજે માતાજીની સાક્ષીએ બે હાથ ઉંચા કરીને રૂપાલા સાહેબને ટેકો જાહેર કરી દીધો છે. હવે રોષ જેવી કોઈ બાબત રહી નથી. સોશિયલ મીડિયામાં ઉછળકૂદ કરતા લોકોને કહું છું કે, તમે જે ભાષાથી વ્યવહાર કરવા માગતા હોય એનાથી પણ આગળ જઈને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દઈશ. જ્યાં બોલાવો ત્યાં હું એકલો આવીશ.
જયરાજભાઇ અહીંથી અંત નથી થતો - પદ્મિનીબા વાળા
આ મામલે કરણી સેનાના મહિલા મોરચાના અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ વધુમાં જણાવ્યું હતું કે, જયરાજસિંહ જાડેજાએ કહ્યું કે અહીંયાથી અંત છે. તો જયરાજભાઇ અહીંથી અંત નથી થતો. તમે એક ક્ષત્રિયના દીકરા છો અને અમે પણ ક્ષત્રિયની દીકરીઓ છીએ. અહીંયાથી અંત નથી ભાઈ. તમે કોને સપોર્ટ કર્યો થોડો એ વિચાર કરજો ભાઈ. બહેનોની ધરપકડ કરી છે તો રૂપાલાભાઇની ધરપકડ કેમ નથી કરતા. આજે રૂપાલાભાઈ વિરૂદ્ધ કેટલી ફરિયાદો નોંધાઈ છે. મારે મોદી સાહેબને પણ પૂછવું છે કે, જે રાજનીતિમાં હોય તે કોઇપણ ગુનો કરી શકે છે. તેમને છૂટ છે. મારા ક્ષત્રિય સમાજની બહેનોની ધરપકડ કરી છે. તે અમને માફક નથી આવ્યું. કેમ કે, રાજકીય લેવલે આપણા સમાજના આટલા બધા બેઠાં બેઠાં લોકો જોતા હોય અને આપણા ક્ષત્રિય સમાજની બહેનોની એક સમાજ માટે થઈને ધરપકડ કરી હોય. તે તદ્દન રાષ્ટ્રીય લેવેલ જે પણ ક્ષત્રિય સમાજના ભાઇઓ છે તેમને શરમ આવી જોઇએ. કે તમે ત્યાં બેઠાં બેઠાં જોતા હતા અને આપણી બહેનો સમાજ માટે લડવા આવી છે અને એની આબરૂં માટે લડવા આવી છે તેની તમે ધરપકડ કરી અને તમે પોતાના રાજકીય રોટલા શેકવા અને એક ટિકિટ માટે તમે લોકો આ બધુ જ બંધ કરો. જીત તો અમારા રાજપૂત ક્ષત્રિય સમાજની જ થશે.
કેમ થયો વિવાદ:
થોડા દિવસ પહેલા રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ વાલ્મિકી સમાજનાં કાર્યક્રમમાં જાહેરમાં ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવારની લાગણી દુભાય તે પ્રકારનું નિવેદન કરતાં ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. જેથી પૂર્વ શિક્ષણમંત્રી અને ક્ષત્રિય સમાજનાં આગેવાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત હાલના રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ સહિતનાં રાજવીઓ ઉપરાંત કોંગ્રેસના મહેશ રાજપૂતે નારાજગી વ્યકત કરી હતી. જે બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજની માફી માંગતો વીડિયો જાહેર કર્યો હતો.
ગોંડલ ખાતે યોજાયેલ સંમેલનની બેઠકની અંદર હાજરી આપ્યા બાદ પરસોત્તમ રૂપાલા ઉપલેટાના ગાયત્રી આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે માતાજીના દર્શન કરી સંત લાલ બાપુ પાસે પહોંચ્યા હતા જ્યાં તેમને લાલબાપુના આશીર્વાદ પણ લીધા હતા અને આશીર્વાદ બાદ બંને વચ્ચે આ મુદ્દાને લઈને ચર્ચાઓ પણ થઈ હતી અને ચર્ચાઓ પૂર્ણ થયા બાદ પરસોત્તમ રૂપાલાએ આ મામલે મીડિયા સમક્ષ કાંઈપણ કહેવાનો ઇનકાર કર્યો હતો ત્યારે આગામી દિવસોની અંદર આ મામલો સમેટાઈ જાય છે કે પછી વધુ કોઈ વિવાદ અને રોષ યથાવત છે તે તો આવતા દિવસોની અંદર જ ખ્યાલ આવશે.