ભાવનગર: શાળાઓનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે બુક સ્ટોલમાં વાલીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. ભાવ વધારાની પરંપરા બની ગઈ હોય તેમ આ વર્ષે પણ 15 થી 20 ટકાનો ભાવ વધારો વાલીઓને મૂંઝવી રહ્યો છે. જો કે ભાવ વધારાને લઈને બુક સ્ટોલ દ્વારા તો પોતાના તર્ક રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ વાલીઓએ પોતાની મનના મૂંઝારાની વાત રજૂ કરી હતી. જાણો
શાળાઓ ખુલતા પહેલા પુસ્તકમાં ભાવ વધારો: ભાવનગરમાં શાળાઓ ખુલતા પહેલા પુસ્તકો સહિતની ખરીદીને પગલે બુક સ્ટોલમાં વાલીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. બુક સ્ટોલના વ્યાપારી સમીરભાઈએ જણાવ્યું હતું કે, ગયા વર્ષ કરતા આ વર્ષે થોડો વધારો થયો છે. જે 10 થી 15 ટકા છે. જે ખર્ચ અને મેન્ટેનન્સ ખર્ચા હોય કે કંપનીઓને લગતા ખર્ચા હોય છે. એ હિસાબે દરેક ચીજ વસ્તુઓમાં જેમ ભાવ વધારો આવતો હોય છે તેવી રીતે ભાવ વધારો થાય છે. સમજો કે ગયા વર્ષે પહેલા, બીજા, ત્રીજા ધોરણનુ પેકેજ છે તે 1200 થી 1400 રૂપિયા થતો હોય તો આ વર્ષે 1500 થી 1700 જેવો થાય છે. તો વધારો 300 થી 500 થાય છે. જેમ અલગ અલગ લિસ્ટ પ્રમાણે આવી રીતે થોડો થોડો ફેરફાર થતો હોય. એવી રીતે પાછળના 5,6,7 ધોરણ હોય તેવી રીતે હાયર સેકન્ડરી જોઈએ તો 11,12 માં જે લાગતા હોય છે તે વધારો હોય છે. જે રીતે દર વર્ષે એડિશન ચેન્જ થતી હોય તે રીતે પેપરમાં ફેરફાર થતો હોય અને ભાવમાં ફેરફાર થતો હોય છે.
વાલીઓએ કાઢ્યો બળાપો થાય છે "ઉઘાડી લૂંટ" :ETV BHARAT એ પુસ્તકોની ખરીદી કરતા વાલીઓ સાથે વાતચીત કરી હતી. ત્યારે વાલી જીજ્ઞેશભાઈએ જેઠવાએ જણાવ્યું હતું કે, ખૂબ જ ભાવ વધારો, ખાલી 195 રૂપિયાની ચિત્રપોથી જેમાં માંડ 20 પેજ હશે. મારો છોકરો હજુ જુનિયર કેજીમાં છે ત્યાં જ તેના પુસ્તકોનો ખર્ચો 2 હજાર થયો છે. જે પ્રાઇવેટ શાળાઓ છે તેમાં પોતાના જ પુસ્તકો અને એક જ દુકાનેથી ખરીદવાનો આગ્રહ રાખવામાં આવે છે. ભાવ વધારાએ બેફામ લૂંટ મચાવી છે. તેમાં સરકારનો અંકુશ રહેવો જોઈએ.
ભણાવાનું બંધ કરી કામે લગાડવા પડશે: વાલીઓ સાથે ETV BHARATની વાતચીતમાં પોતાના મનનો મૂંઝારો વ્યક્ત કર્યો હતો. ત્યારે વાલી મનુભાઈ વાળોદ્રાએ જણાવ્યું હતું કે ભાવમાં થોડોક વધારો થયો છે. થોડોક ઓછો થાય તો છોકરાઓ ભણી શકે તેવું અમારું વાલીઓનું કહેવાનું છે. નહિતર પછી કામે ચડાવી દેવાનું થાય. ચોપડાના આ બધા ભાવમાં કેમ વધારો થાય. જ્યારે વાલી ચેતનભાઈએ જણાવ્યું હતું કે, દર વર્ષે ભાવ વધારો થાય છે અને વાલીઓને ખુબ જ પ્રોબ્લેમ થાય છે. એક બાળક હોઈ તો ઠીક છે બે બે બાળકો હોઈ ભણાવવું મુશ્કેલ થાય છે. આ બધો ખર્ચો ન થવો જોઈએ. શિક્ષણ ફ્રી હોવું જોઈએ.