વડોદરા: વરસાદની શરૂઆત થતાંની સાથે જ પાણીજન્ય રોગચાળો કોલેરાએ માથું ઊંચક્યું છે. શહેરની જમનાબાઈ, સરકારી દવાખાનામાં કોલેરાના 2 દર્દી અને શંકાસ્પદ કોલેરાના 6 દર્દીઓ હાલ સારવાર લઈ રહ્યા છે. નાના નાના ભૂલકાઓનો સમાવેશ થાય છે. જ્યારે ખાનગી હોસ્પિટલમાં એક સપ્તાહમાં કોલેરા પોઝિટિવ 4 દર્દી મળી આવ્યા છે. શહેરમાં કોલેરાને પગલે ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું હતું જેને પગલે કોર્પોરેશન સજાગ થઇ કરાયેલા સરવેમાં પણ કોલેરાના શંકાસ્પદ 25 દર્દીઓ હોવાનું જણાઈ આવતાં તંત્ર દોડતું થયું છે.
કોલેરાનો રોગ ફાટી નીકળતા લોકોમાં ગભરાટ: વડોદરા શહેરમાં દૂષિત પાણીને પગલે પૂર્વ વિસ્તારમાં દર્દીઓની સંખ્યા વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ 12 ક્લસ્ટરને પાણીજન્ય રોગચાળા માટે ઓળખવામાં આવ્યા છે અને ત્યાં ક્લોરીનની ગોળીઓનું પણ વિતરણ અને સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવાની જરૂર નથી. 25 દર્દીઓ માત્ર ઝાડા-ઊલટીના છે, તેમનો કોલેરા રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી અને કોઈ પણ ક્લસ્ટરમાંથી સામટા કેસ મળ્યા નથી તેમ જણાવે છે.
કોર્પોરેશનનું તંત્ર ઘોર નિંદ્રામાં: શહેરમાં અગાઉ પીવાના પાણીમાં ગટરનાં પાણી મિક્સ થતાં આરોગ્ય વિભાગે જણાવ્યા મુજબ 28 જૂને 38 પૈકી 4 સેમ્પલમાં ગટરનાં પાણીનું મિશ્રણ મળ્યું હતું. જ્યારે 29મીએ 20 પૈકી 8 સેમ્પલમાં ગટરના પાણીનું મિશ્રણ આજવા રોડના આશા લતા પાર્કમાં મળ્યું હતું. એટલે કે, દૂષિત પાણીના કારણે આ રોગચાળો ફાટ્યો હોય તેવું જણાઈ આવે છે પરંતુ ઘોર નિંદ્રામાં રહેલા કોર્પોરેશનના અધિકારીઓ આ બાબતે તાત્કાલિક પગલાં ભરી દુષિત પાણીના મિશ્રણને અટકાવે તેવી લોકમાંગ ઉઠી હતી.
હેલ્થ બુલેટીનમાં કોલેરાના કેસ શૂન્ય: વિરોધ પક્ષના અમી રાવતે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, કોર્પોરેશનનું હેલ્થ બુલેટિનમાં જાન્યુઆરીથી અત્યાર સુધીના કોલેરાના શૂન્ય કેસ બતાવે છે એટલે કે, કોર્પોરેશન પોતે સ્વીકારવા તૈયાર નથી પરંતુ અમારી પાસે તેઓના પોઝિટિવ રિપોર્ટ પણ છે. એટલું જ નહિ પરંતુ કોર્પોરેશન ક્વિક પોઇન્ટ ઉપર મોટા મોટા એલઇડીમાં નેતાઓની જાહેરાતો મુકે છે. તેની જગ્યાએ પ્રજામાં જાગૃતિ માટે કોલેરા ગ્રસ્ત વ્યક્તિઓએ શું કરવું જોઈએ તેવા સ્લોગન લગાવવાથી પ્રજા જાગૃત થઈ શકે છે.