બનાસકાંઠા: હીરા ઉદ્યોગનો ધંધો ભારત અને ગુજરાત પૂરતો જ નહીં પરંતુ દેશ-વિદેશમાં હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ દ્વારા આર્થિક લેન દેન થતી થતી હોય છે. પરંતુ યુક્રેન અને રશિયા વચ્ચે થયેલા યુદ્ધ અને તે બાદ ગાઝામાં યુદ્ધની બનેલી સ્થિતિ વચ્ચે હીરા ઉદ્યોગના ધંધા પર તેની સૌથી માટી અસર જોવા મળી રહી છે. હીરાનો કાચો માલ મોંઘો થયો છે અને બજારમાં બનાવેલા હીરાની એટલી કિંમત મળતી નથી જેના કારણે આ ધંધા સાથે સંકળાયેલા વેપારીઓ માલ ઓછો મંગાવી રહ્યા છે જેની સીધી અસર હીરા ઘસતા કારીગરો પર પડી રહી છે. હીરા ઘસવા માટે કાચો માલ ઓછો મળતા જે કારીગરો દિવસના 800 થી 1000 હજાર કામ દૈનિક કરતા હતા તે કારીગરો હવે દિવસનું માત્ર 250નું જ કામ કરી રહ્યા છે. જે આ મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવા માટે પૂરતું નથી. આથી તેઓ આર્થિક સંકડામણનો સામનો કરી રહ્યા છે.
સરકાર આ અંગે કઈ વિચારી મદદ કરે: પાલનપુરના ઢુંઢિયાવાડી વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા કારીગરે કહ્યું કે, 'મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. કારખાના માલિકો દ્વારા ઓછું વધતું નુકસાન સહન કરીને કારીગરો જોડે કામ લઈ રહ્યા છે. જોકે કારીગરોને પણ હાલ તો પોસાય તેમ નથી, ત્યારે સરકાર આ અંગે કઈ વિચારી મદદ કરે તેવી અમે સરકાર જોડે આશા રાખીએ છીએ.'
નુકસાન સહન કરી વ્યવસાય કરી રહ્યા છે: પાલનપુરમાં કારખાનું ધરાવતા વેપારીએ જણાવ્યું કે, છેલ્લા બે વર્ષથી હીરાના વ્યવસાયમાં ભયંકર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. એક સમયે પાલનપુર શહેરમાં 1000થી વધુ હીરાના કારખાનાઓ હતા અને મોટી સંખ્યામાં હીરાના કારીગરો રાત દિવસ કારખાનાઓમાં કામ કરતા હતા, પરંતુ આજે યુદ્ધના કારણે દેશ-વિદેશમાં હીરાના માલની માંગ ઘટી ગઈ છે અને કાચો માલ ખૂબ જ મોંઘો થયો છે. સામે તૈયાર કરેલા માલની કિંમત પણ પોસાય તેટલી મળતી નથી, જેથી વેપારીઓ નુકસાન સહન કરીને પણ અત્યારે આ વ્યવસાય કરી રહ્યા છે.
પાલનપુરમાં હીરાનો વ્યવસાય પડી ભાગ્યો: બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર એક સમયે હીરાના વ્યવસાય અને હીરાના કારખાનાઓને લઈને ખૂબ જ જાણીતું હતું, પરંતુ સમય સાથે આજે પાલનપુરમાં હીરાનો વ્યવસાય પડી ભાંગ્યો છે અને હીરાના કારીગરો હીરા ઘસવાનું કામ છોડી અન્ય નાના-મોટા ધંધામાં જોડાઈ રહ્યા છે.