રાજકોટ: પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે કરેલ ટિપ્પણીનો વિરોધને લઇ ક્ષત્રિય સમાજ ઉગ્ર બન્યો હતો. આશાપુરા માનાં મંદિર ખાતે પદ્મિનીબા વાળા ક્ષત્રિય સમાજની આ મહિલાઓ સાથે ધરણાં પર બેસી ગયા હતા અને રામધુન બોલાવી હતી. રૂપાલાની ટિકિટ રદ કરો તેવા નારા લગાવ્યા હતા.
પદ્મિનીબા વાળાએ અન્નત્યાગ કર્યો: 5 દિવસથી ચાલી રહેલ વિરોધમાં આજે ગાંધીનગર ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની આગેવાનીમાં મિટિગ મળવાની હતી. ત્યારે આ લડતને વેગ આપનાર પદ્મિનીબા વાળાને આમંત્રણ નહી મળતા પદ્મિનીબા વાળા રાજકોટના ક્ષત્રિય સમાજનું આસ્થાનું કેન્દ્ર એવા આશાપુરામાના મંદિર ખાતે ધરણા પર બેસી ગયા હતા. જ્યાં સુધી પરસોતમ રૂપાલાની ટિકિટ રદ નહિ થાય ત્યાં સુધી અન્નત્યાગ કરશે.
ક્ષત્રિય સમાજની માફી માંગ બાદ પણ સ્થિતિ થાળે પડતી નથી
પરષોત્તમ રુપાલાએ ક્ષત્રિય સમાજ સમક્ષ અને એ પહેલા સોશિયલ મીડિયામાં માફી માંગ્યા બાદ પણ તેમની સામેેનો વિવાદ શમતો નથી. રાજપુત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પી.ડી.જાડેજાએ રાજકોટ બેઠક પરથી ઉમેદવાર બદલવાની માંગ કરી છે.રાજકોટ બાદ હવે જામનગરના મોટા વાગુદડ ગામે પરષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત રહ્યો છે. જ્યાં સુધી રૂપાલાની ટિકિટ નહી કપાઈ ત્યાં સુધી ભાજપના નેતાઓને ગામમાં પ્રવેશ પર પ્રતિબંધ, એવાં પોસ્ટર ગામમાં લાગ્યા છે તો જૂનાગઢ જિલ્લા સહિત રાજ્યભરમાં જો પરષોત્તમ રૂપાલાની ટિકિટ નહી કપાય તો ભાજપ વિરોઘી મતદાનનો સૂર પ્રબળ બનતો જાય છે.