મહીસાગર : બાલાસિનોરના જમિયતપુરા સ્થિત વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઈટ કાયમી ધોરણે બંધ કરવા માટે હુકમ કરવામાં આવ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી આ સાઈટના કારણે સ્થાનિક લોકોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. આ સાઈટ બંધ કરવા અનેક રજૂઆત કરવામાં આવી હતી, જેનું સુખદ પરિણામ આવ્યું છે. આ સાઈટ બંધ કરવા માટે આસપાસના ગ્રામજનો દ્વારા આમરણાંત ઉપવાસ સહિત 1 હજારથી વધુ આવેદનપત્ર વહીવટી વિભાગને આપવામાં આવ્યા હતા.
વેસ્ટ કેમિકલ ડમ્પિંગ સાઈટ : બાલાસિનોર તાલુકામાં જમિયતપુરાની સીમમાં આશરે પાંચેક વર્ષથી મૌર્યા એનવાયરો પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડની કેમિકલ વેસ્ટ ડમ્પ કરવાની સાઈટ કાર્યરત હતી. આ ડમ્પિંગ સાઈટના કેમિકલ વેસ્ટના કારણે ભૂર્ગભ જળ દૂષિત થયું છે. ઉપરાંત અહીં ઝેરી કેમિકલ વેસ્ટ ઘન કચરાનો નિકાલ કરવાથી આસપાસના કૂવામાં લાલ કેમિકલ યુક્ત દૂષિત પાણી આવતું. જેનાથી ખેતરમાં અને આજુબાજુના વિસ્તારની પ્રજા તેમજ પશુ પક્ષીના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થયું હતું.
સ્થાનિક રહીશોની અનેક રજૂઆત : આ સમસ્યાથી ત્રસ્ત થયેલા આસપાસના ગ્રામજનો દ્વારા આ ઝેરી કેમિકલ વાળી ડમ્પિંગ સાઈટ કાયમી ધોરણે બંધ કરવા અનેક રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આમરણાંત ઉપવાસ સહિત 1 હજારથી વધુ આવેદનપત્ર વહીવટી વિભાગને આપવામાં આવ્યા હતા. બાદમાં GPCB દ્વારા કુવામાંથી પાણીના સેમ્પલ લેવામાં આવ્યા અને આ પાણી પીવાલાયક નથી તેવું રિપોર્ટમાં આવ્યું હતું. જેને લઈને બાલાસિનોર પ્રાંત અધિકારી દ્વારા ડમ્પિંગ સાઈટ કારણે આજુબાજુના કૂવામાં આવતું રંગીન- દુર્ગંધયુક્ત કેમિકલ વાળા પાણીની સમસ્યા દૂર કરવાના કામે તક આપવામાં આવી હતી.
નુકસાનનું વળતર આપવા લોકમાંગ : તેમ છતાં દુર્ગંધયુક્ત કેમિકલ વાળા પાણીની સમસ્યા યથાવત રહેતા ગ્રામજનોનું સ્વાસ્થ્ય જોખમાતું હોવાથી CRPC ની કલમ-138 હેઠળ કંપનીને કાયમી ધોરણે બંધ રાખવા બાલાસિનોર પ્રાંત અધિકારી દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. વધુમાં આ ડમ્પિંગ સાઈટના દૂષિત પાણીનો નિકાલ કરી ગ્રામજનોને ખેતીમાં થયેલા નુકસાનનું વળતર ડમ્પિંગ સાઈટના માલિક પાસે વસૂલ કરાય તેવી ઉગ્ર માંગ પણ ઉઠી છે.
ડમ્પિંગ સાઈટ કાયમી બંધ કરવા આદેશ : આ બાબતે પ્રાંત અધિકારી હિરેન ચૌહાણે જણાવ્યું કે, ગત ચોમાસામાં પ્રિમોન્સૂન સિસ્ટમ ન હોવાના કારણે પણ સાઇટનું કેમિકલ વાળું પાણી બહાર આવ્યું હતું. ત્યારે પણ એમને તાકીદ કરવામાં આવી હતી. આ વખતે પણ માર્ચ મહિનાની શરૂઆતથી આજુબાજુના કૂવાના પાણીમાં લાલ કલર આવ્યો છે. આ બાબતે તાત્કાલિક રસ્તો લાવવા માટે કંપનીને જણાવ્યું હતું. પરંતુ કંપનીએ કોઈ નક્કર પરિણામ લક્ષી કાર્યવાહી કરી નથી. આથી CRPC કલમ 138 હેઠળ કંપનીને કાયમી બંધ કરવા હુકમ કર્યો છે.