સુરત: સુરત એસઓજીની ટીમ દ્વારા કડોદરાના નવા હળપતિવાસમાં આવેલ એક કરિયાણાની દુકાનમાંથી અફીણના રસના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા 26.16 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
કરિયાણાની દુકાનમાં છૂટક વેચાણ થતું હતું: સુરત જિલ્લા એસઓજીની ટીમને ખાનગી રીતે બાતમી મળી હતી કે, પલસાણા તાલુકાનાં કડોદરા ગામે નવા હળપતિવાસમાં રહેતો પિન્ટુ લુહાર નામનો ઈસમ પોતાના કબ્જાના મકાનમાં આગળના ભાગે બનાવેલ ભવાની કરિયાણા સ્ટોરમાં ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે માદક પદાર્થ અફીણના રસનો જથ્થો લાવી સંતાડી રાખી તેનું છૂટક વેચાણ કરે છે.
25.41 લાખનો જથ્થો જપ્ત: આ બાતમીના આધારે પોલીસે છાપો માર્યો હતો. છાપા દરમિયાન પોલીસે દુકાનમાં શોધખોળ કરતાં અંદરથી 5.083 કિલો અફીણ જેની કિંમત રૂપિયા 25,41,500 મળી આવ્યો હતો. પોલીસે પિન્ટુ ઉર્ફ કેસરીમલ લુહાર જે હાલ કડોદરા, નવો હળપતિવામાં રહે છે અને મૂળ રાનીખેડાના ઉદયપુર એટલે કે રાજસ્થાનનો વતની છે તેની ધરપકડ કરી હતી. પોલીસે અફીણનો રસ અને બે મોબાઇલ ફોન સહિત કુલ 26,16,500 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જથ્થો પૂરો પાડનારને વોન્ટેડ જાહેર કર્યો: પોલીસ પૂછપરછમાં તેણે પોતે અફીણના રસનું છૂટક વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત બુધારામ દેવારામ બિશ્નોઈ જે હાલ પલસાણાના સાઈ દર્શન સોસાયટીમાં રહે છે અને મૂળ રાજસ્થાનનો વતની છે, તે આ જથ્થો આશરે 20 થી 25 દિવસ પહેલા આપી ગયો હતો તેમ જણાવ્યું હતું. પોલીસે આ અંગે નાર્કોટીક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ જથ્થો પૂરો પાડનાર બુધારામને વોન્ટેડ જાહેર કર્યો હતો.
આ અંગે DYSP આઈ.જે. પટેલે જણાવ્યું હતું કે, 'બાતમીના આધારે SOGની ટીમે છાપો માર્યો હતો અને કરિયાણાની દુકાનમાં અફીણનું છૂટક વેચાણ કરવામાં આવી રહ્યું હતું. એક આરોપીને ઝડપી લીધો છે જ્યારે જથ્થો પૂરો પાડનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.'