સુરત: ઓએનજીસી હજીરા પ્લાન્ટ, સુરત દ્વારા તેની સીએસઆર પહેલ-સામાજિક ઉત્તરદાયિત્વ હેઠળ ઈ.એસ.આર. ફાઉન્ડેશન, વડોદરાના સહયોગથી દક્ષિણ ગુજરાતના વંચિત યુવાનો માટે ટ્રાફિક મેનેજમેન્ટ તાલીમ યોજાઈ હતી. જેમાં યુવાનોને ટ્રાફિક નિયંત્રણ, માર્ગ સલામતી સહિત વિવિધ ટ્રાફિક નિયમોની તાલીમ અપાઈ હતી. જેસીપી (ટ્રાફિક), એચ.આર. ચૌધરી સાથે ડીસીપી (ટ્રાફિક), અમિતા વનાણી અને એસીપી (ટ્રાફિક) એમ.એસ. શેખે ઉપસ્થિત રહી રોજગારી તેમજ માર્ગ સલામતીની તાલીમ આપવાના કંપનીના ઉમદા હેતુની પ્રશંસા કરી હતી.
તાલીમાર્થીઓને ગણવેશ અને રિસોર્સ કીટનું વિતરણ: એચ.આર.ચૌધરીએ માર્ગ અકસ્માતો ઘટાડવા માટે સામાન્ય લોકોની સલામતી માટે ટ્રાફિક નિયમોના મહત્વ પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ઓએનજીસી હજીરા પ્લાન્ટના ચીફ જનરલ મેનેજર આલોક કુમાર, સીએસઆર સંયોજક યોગેશચંદ્ર પટેલ અને પ્રભારી (સીએસઆર) રાજેન્દ્ર કુમાર મિશ્રા હાજર રહ્યા હતા. તાલીમ પૂર્ણ થયા બાદ સુરત ટ્રાફિક પોલીસ બ્રિગેડના તાલીમાર્થીઓને ઓએનજીસી દ્વારા સીએસઆર હેઠળ ગણવેશ અને રિસોર્સ કીટનું વિતરણ કરાયું હતું.