ખેડા : કપડવંજના રૂપજીના મુવાડામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત ચાલી રહેલી અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનની કામગીરી દરમિયાન દુઃખદ બનાવ બન્યો છે. અહીં અચાનક માટી ધસી પડતા કામ કરી રહેલા ચાર મજૂરો માટી નીચે દબાઈ ગયા હતા. જેમાંથી એક મહિલા મજૂરનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક મહિલા અને બે પુરુષ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
કપડવંજમાં દુઃખદ બનાવ : કપડવંજના રૂપજીના મુવાડામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત અંડરગ્રાઉન્ડ પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે. જ્યાં મજૂરો કામ કરી રહ્યા હતા. આ દરમિયાન બપોરે અચાનક માટી ધસી પડી હતી. જેમાં કામ કરી રહેલા બે મહિલા અને બે પુરુષ મજૂરો માટી નીચે દબાઈ ગયા હતા.
અહીં સુજલામ સુફલામ પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે. જેમાં માટી ધસી પડતા ચાર મજૂર દબાયા હતા. જેમને સારવાર માટે કપડવંજ હોસ્પિટલ લઈ જવાયા છે. જેમાંથી એક મહિલાનું મોત નિપજ્યું છે. -- મહેન્દ્રસિંહ રાઠોડ (સરપંચ)
ચાર મજૂર માટીમાં દબાયા : આ ઘટનાને પગલે કામ કરી રહેલા અન્ય મજૂરો તેમજ ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યાં માટી હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. માટી હટાવી ચારેયને બહાર કાઢવામાં આવ્યા હતા. તેમજ તાત્કાલિક સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ લઈ જવાયા હતા. સારવાર માટે લઈ જવા દરમિયાન જ એક મહિલાનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
એક મહિલા મજૂરનું મોત : પ્રાપ્ત માહિતી મુજબ ઘટનામાં માટી નીચે દબાઈ ગયેલા ચારેય મજૂરો દાહોદ જિલ્લાના વતની છે. જેમાં સુમનબેન વરી, સાજનબેન કાજુભાઈ, વિશાલભાઈ દસુ અને સુરેશભાઈ નામના છે. આ બનાવને પગલે ઘટના સ્થળે પહોંચેલા ગામના સરપંચ મહેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, અહીં સુજલામ સુફલામ પાઈપલાઈનનું કામ ચાલી રહ્યું છે. જેમાં માટી ધસી પડતા ચાર મજૂર દબાયા હતા. જેમને સારવાર માટે કપડવંજ હોસ્પિટલ લઈ જવાયા છે. જેમાંથી એક મહિલાનું મોત નિપજ્યું છે.