ડાંગ: જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ કોશમાળ ગામે દોઢ વર્ષે બાળકીનું શંકાસ્પદ મોત થતા આરોગ્ય વિભાગ સફાળું જાગ્યું છે. ત્યારે જિલ્લામાં ચાંદીપુરા વાયરસ રોગની માર્ગદર્શિકા જારી કરી જંતુનાશક દવાઓનો છંટકાવ હાથ ધરીને કામગીરી હાથ ધરી છે. વધઇ તાલુકાના કોશમાળ ગામની હેત્વીબેન વિનોદભાઈ રાઠોડને અચાનક ખેંચ આવી પડી જતા મોત થયું હોવાનો જાણવા મળતા જ બાળકીના શંકાસ્પદ મોત અંગે સંભવિત ચાંદીપુરા વાયરસ રોગ0ના લક્ષણ દેખાતા ગ્રામજનો ભયભીત બન્યા હતા.
બાળકોમાં બિમારી થવાની સંભાવના વધારે: સમગ્ર રાજ્યમાં કેટલાક જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસો નોંધાયેલા છે. જે સેન્ડફ્લાય માખી દ્વારા ફેલાય છે. 0 થી 14 વર્ષના બાળકોમાં રોગપ્રતિકારક શકિત ઓછી હોવાના કારણે આ બીમારી થવાની સંભાવના વધારે છે. આથી, બાળકો માટે જોખમી સેન્ડફ્લાય માખીને ઓળખીને તેના વિષે જાગૃતિ કેળવવી જરૂરી છે. જો કે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર હિમાંશુ ગામિતે ડાંગ જિલ્લામાં ચાંદીપુરા વાયરસની શક્યતાની નકારી હતી.
ચાંદીપુરા વાયરસના લક્ષણો: ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર હિમાંશુ ગામીતે ચાંદીપુરા વાયરસથી બચવા અંગે સંકલન અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. જો કોઈપણ બાળકમાં સખત તાવ આવવો, ઝાડા-ઉલટી થવી, ખેંચ આવવી, અર્ધભાન કે બેભાન થવું વગેરે સ્ટેન્ડ ફ્લાય માખીથી ફેલાતા ચાંદીપુરા વાયરસના લક્ષણો છે. જો આ રોગના લક્ષણો દેખાય તો તાત્કાલિક ધોરણે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ થઇ જવા આરોગ્ય અધિકારી દ્વારા અપિલ કરવામાં આવી છે.
સેન્ડફ્લાય માખીની ઉત્પત્તિ: સેન્ડફફ્લાય માખી કઈ જગ્યાએ રહે છે ? સેન્ડફલાય માખી ઘરની અંદરની બાજુએ કાચી કે પાકી દિવાલ પર ભેજવાળા વાતાવરણમાં રહે છે, સેન્ડફલાય તેની ઉત્પત્તિ માટે ઈંડા મુકે છે. તેમાંથી મચ્છરની જેમ ઈયળ, કોશેટો અને ત્યારબાદ પુખ્ત માખી બને છે. આ સેન્ડફલાય નરી આંખે જોઈ શકાય તેવી સામાન્ય માખી કરતા ચાર ગણી નાની હોય છે. સેન્ડફલાય ઘરની અંદરની બાજુએ તેમજ બહારની પાકી કે કાચી દિવાલ પરની તીરાડો તેમજ ભેજવાળા વાતાવરણમાં ઈંડા મુકે છે.ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં ખાસ કરીને ગાર-લીપણવાળા ઘરોમાં દિવાલની તિરાડો તેમજ દિવાલમાં રહેલા નાના છિદ્રોમાં રહે છે.
સેન્ડફ્લાય દ્વારા ફેલાતા રોગો: સેન્ડફલાય માખી કરડવાથી ચાંદીપુરા અને કાલા આઝાર જેવા રોગોના ફેલાવા માટે જવાબદાર છે. એક પ્રકારના વાઈરસને કારણે ચાંદીપુરા વાઈરલ તાવ તેમજ કાલા આઝાર રોગ થાય છે. જેના ફેલાવા માટે સેન્ડફલાય જવાબદાર છે.
ચાંદીપુરા વાયરસથી બચવા માટેના ઉપાયો: સેન્ડફલાયથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ રહે, સૂર્ય પ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખો. પ્રવર્તમાન પરિસ્થિતિમાં બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં (ધુળમાં) રમવા દેવા નહીં. આટલી કાળજી રાખવી જરુરી છે.