સુરત: ગંગા નદીમાં સ્નાન કરવાથી, નર્મદા નદીના દર્શન કરવાથી અને તાપી નદીના સ્મરણ માત્રથી વ્યક્તિને પોતાના પાપોમાંથી મુક્તિ મળે છે. સુરતમાંથી પસાર થતી લોકમાતા તાપી નદીનો આજે જન્મદિવસ છે, જેને ખૂબ ઉત્સાહ સાથે આજે સુરતીઓ મનાવે છે.તાપી માતાના જન્મદિવસ નિમિત્તે કામરેજના ધોરણ પારડી ખાતે ભરવાડ સમાજ દ્વારા તાપી માતાને 551 મીટર લાંબી ચૂંદડી ઓઢાડવામાં આવી હતી.
તાપીના સ્મરણ માત્રથી પાપોનો નાશ થાય છે: "गंगा स्नान, नर्मदा दर्शन च ताप्ती स्मरण पापम नश्यति" સુરતની જીવાદોરી સમાન તાપી નદીનો આજે જન્મ દિવસ છે. જેના સ્મરણ માત્રથી પાપોનો નાશ થાય છે તેવી આ વિશ્વની એકમાત્ર નદી છે. આજે સુરતીઓ દ્વારા તાપી મૈયાની પૂજા કરવામાં આવી હતી. તાપીના પ્રાગટ્યદિન જયંતિની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. સુરતના ખેડૂતો,પશુપાલકોએ તાપી માતાના જન્મ દવસની ઉજવણી કરી હતી.
કાર્યક્રમમાં મોટી સંંખ્યામાં લોકો હાજર રહ્યા: કામરેજ તાલુકા ભરવાડ સમાજના અગ્રણી દેહુરભાઈ ભરવાડ દ્વારા સુરતના કામરેજ તાલુકાના ધોરણ પારડી ખાતે પસાર થતી તાપી નદીમાં 551 મીટર લાંબી તાપી માતાને ચૂંદડી ઓઢાડવામાં આવી હતી અને ગાય પગલાં મંદિર ખાતે યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધોરણ પારડી ગામના સ્થાનિકો,ભરવાડ સમાજના લોકો હાજર રહ્યા હતા.
તાપી નદી ખેડૂતોને જીવાદોરી છે: તાપી નદી પરના ઉકાઈ ડેમની મહત્વકાંક્ષી સિંચાઇ પરિયોજનાથી દક્ષિણ ગુજરાતના 2,52,444 ખેડૂત ખાતદારોને લાભ મળે છે. તાપી નદી પરના ઉકાઈ ડેમની મહત્વકાંક્ષી સિંચાઇ પરિયોજનાથી દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, તાપી, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં સિંચાઇ અને પીવાનું પાણી તથા ઉદ્યોગોને વપરાશનું પાણી આપવામાં આવે છે.
ખેતીની જમીનમાં સિંચાઇનું પાણી પહોચાડવામાં આવે છે: ઉકાઈ કાંકરાપાર સિંચાઇ પરિયોજના સૌથી મોટો કાર્યવિસ્તાર ધરાવે છે. જેમાં પાંચ જિલ્લાના 21 તાલુકા 3400 જેટલા ગામો જેમાં 810 આદિજાતિના ગામોનો સમાવેશ થાય છે. આશરે 3,31,557 હેકટર ખેતીની જમીનમાં સિંચાઈનું પાણી પહોંચાડવામાં આવે છે. જેનો કુલ 2,52,444 ખેડૂત ખાતદારોને લાભ મળે છે. આ સિંચાઇ યોજના અંતર્ગત 550 સિંચાઇ પિયત સહકારી મંડળીઓ કાર્યરત છે.