જૂનાગઢ: આજે આસો વદ તેરસને કાળી ચૌદસના તહેવાર તરીકે મનાવવામાં આવે છે. આજના દિવસે કષ્ટભંજન દેવ હનુમાનને રાજાનું પદ પ્રાપ્ત થયું હતું. જેથી કાળીચૌદશના દિવસે ખાસ હનુમાનજી મહારાજની પૂજા અર્ચના અને અભિષેક પણ કરવામાં આવતો હોય છે.
આજના દિવસે હનુમાનજી મહારાજની પૂજા કરવાથી પ્રત્યેક વ્યક્તિ અને પરિવાર પરથી આવેલું સંકટ દૂર થતું હોવાની ધાર્મિક માન્યતા પણ આટલી જ જોવા મળે છે.
કાળી ચૌદસના દિવસે હનુમાનજીની વિશેષ પૂજા: આજે કાળી ચૌદશનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે આસો વદ તેરસના દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને રાજાનું પદ મળ્યું હોવાને કારણે પણ આજે કષ્ટભંજન દેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. તુલસીદાસ મહારાજે કષ્ટભંજન દેવને કપીઓના ઇષ્ટદેવ તરીકે પણ રામચરિત માનસમાં ઉલ્લેખ કર્યો છે. જેથી પણ આજના દિવસે હનુમાનજી મહારાજનું પૂજન ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે.
સનાતન ધર્મંમાં હનુમાનજીનું વિશેષ મહત્વ: સનાતન હિંદુ સંસ્કૃતિમાં હનુમાનજી મહારાજની પૂજા ખાસ મહત્વ ધરાવે છે. મોટાભાગના સનાતન ધર્મના પંથોમાં પણ હનુમાનજી મહારાજ એક આગવું અને ખાસ સ્થાન ધરાવે છે. સ્વામિનારાયણ સંપ્રદાય પણ હનુમાનજી મહારાજને કુળદેવ તરીકે માને છે. જેથી આજે ખાસ વિશેષ પ્રકારે જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજી મહારાજને ષોડશોપચાર પૂજા કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા.
ભગવાન રામે હનુમાનજીનો અભિષેક કર્યો: કષ્ટભંજન દેવનો અભિષેક સ્વયં ભગવાન રામચંદ્રજી દ્વારા પણ કરવામાં આવ્યો હોવાની સનાતન ધર્મ સંસ્કૃતિની એક લોકવાયકા પણ જોડાયેલી છે. હનુમાનજી મહારાજના અભિષેક બાદ ભગવાન રામે સ્વયં હનુમાનજી મહારાજને આજ્ઞા કરી હતી કે, સમગ્ર પૃથ્વી ખંડમાં તમારી સ્વતંત્ર પૂજા થશે. જેથી હનુમાનજી મહારાજના અનેક મંદિરો સ્વતંત્ર જોવા મળે છે. જેમાં શનિવાર મંગળવાર અને ખાસ કરીને વર્ષમાં એક વખત કાળી ચૌદસના દિવસે હનુમાનજી મહારાજની વિશેષ પૂજા થતી હોય છે.
આ પણ વાંચો: