જૂનાગઢ : ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવે છે. જૂનાગઢમાં ભવનાથની ગીરી તળેટીમાં આદિ-અનાદિ કાળથી લંબે હનુમાનજી મહારાજ બિરાજી રહ્યા છે. ત્યારે આવતી કાલના તેમના પ્રાગટ્ય મહોત્સવને લઈને લંબે હનુમાન મંદિરમાં ભક્તો માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
હનુમાન જયંતિની ઉજવણી : આવતીકાલે વહેલી સવારે 6:00 વાગ્યે હનુમાનજી મહારાજના અભિષેક સાથે હનુમાનજી પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી શરૂ થશે. જેમાં દિવસ દરમિયાન લંબે હનુમાનજી મહારાજની આરતી અને પૂજા કર્યા બાદ 21 હજાર મોતીચૂરના લાડુનો ભોગ ધરાવવામાં આવશે. ભોગમાં ધરાવેલા મોતીચૂરના લાડુનું પ્રત્યેક હનુમાનજી મહારાજના ભક્તોને પ્રસાદ રૂપે દિવસ દરમિયાન વિતરણ પણ કરવામાં આવશે.
21 હજાર લાડુનો પ્રસાદ : હનુમાન દાદાના પ્રાગટ્ય દિવસે લંબે હનુમાન મંદિર દ્વારા 21 હજાર મોતીચૂરના લાડુનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે. આ મોતીચૂરના લાડુ બનાવવામાં 21 ડબ્બા શુદ્ધ દેશી ઘી, 210 કિલો ચણાનો લોટ, 4 ક્વિન્ટલ અને 20 કિલો ખાંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ રાજસ્થાનથી આવેલા 13 જેટલા કારીગરો દ્વારા ત્રણ દિવસની મહેનત બાદ આ લાડુ બનાવવામાં આવ્યા છે. મોતીચૂરના લાડુ બનાવવા માટે રાજસ્થાનના કંદોઈને વિશેષ માનવામાં આવે છે, જેથી રાજસ્થાનના કંદોઈ દ્વારા તૈયાર થયેલા મોતીચૂરના લાડુ આવતીકાલે પ્રત્યેક હનુમાન ભક્તને પ્રસાદરૂપે અર્પણ કરવામાં આવશે.
હનુમાન ભક્તો ઉમટશે : આવતીકાલે હનુમાનજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં ગુજરાત અને મહારાષ્ટ્રના હનુમાન ભક્તો પણ હાજર રહેશે. દર વર્ષે મહારાષ્ટ્રમાંથી પણ મરાઠી પરિવારો દ્વારા હનુમાન જયંતિ અને ચૈત્રી પૂનમના દિવસે લંબે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે વિશેષ રૂપે આવતા હોય છે. આવતીકાલે પણ લંબે હનુમાનજી મંદિર ગુજરાત અને મહારાષ્ટ્રની સાથે દેશભરના ભાવિકોથી સતત ઝળહળતું જોવા મળશે.