વલસાડ: "કૌન બનેગા કરોડપતિ" નાં મુંબઈમાં શોમાં અમિતાભ બચ્ચનને મારે દેહદાન કરવું છે અને બધા જ કરજો એવી હાકલ કરનારા વલસાડના વૃદ્ધાનું 86 વર્ષની ઉંમરે કુદરતી અવસાન થતાં તેમના બે પુત્રોએ માતાનો સંકલ્પ પૂર્ણ કર્યો હતો. વલસાડના પત્રકાર અને બાઇ આવાબાઇ હાઈસ્કૂલના માજી શિક્ષક પરિતોષ ભટ્ટ તથા ભાઈ વિરલ ભટ્ટે તેમના માતા જયશ્રીબેન નિરંજનભાઇ ભટ્ટના દેહદાનનો સંકલ્પ પૂર્ણ કર્યો હતો.
કૌન બનેગા કરોડપતિમાં પુત્ર સાથે ગયા હતા: અગાઉ પરિતોષ ભટ્ટ "કૌન બનેગા કરોડપતિ" શોમાં ભાગ લેવા તેમના માતા જયશ્રીબેનને પણ સાથે લઈ ગયા હતા. જ્યાં જયશ્રીબેને અમિતાભ બચ્ચન સાથે વાતો કરતાં દેહદાનનો સંકલ્પ કર્યો હોવાનું જણાવ્યું હતું. સાથે જ તમામ ઉપસ્થિતોને પણ દેહદાન કરવા અપીલ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી બીમાર જયશ્રીબેનનું વલસાડના તિથલ રોડ, પાલી હાઈટ્સમાં આવેલા નિવાસ્થાને 86 વર્ષની ઉમરે કુદરતી અવસાન થયું હતું.
માતાની ઈચ્છા પુત્રએ પૂર્ણ કરી: માતાની ઈચ્છા મુજબ તેમના પુત્રોએ દેહદાન કરવા માટે ઉમિયા સોશિયલ ટ્રસ્ટના કેપ્ટન અશોકભાઈ કંટારીયાનો સંપર્ક કર્યો હતો અને તેમણે બધી વ્યવસ્થા કરતા પ્રથમ ચક્ષુદાન કર્યા બાદ જયશ્રીબેનની બોડી વલસાડ સિવિલ હોસ્પિટલને સુપ્રત કરી હતી.
મૃત્યુ બાદ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ જાય એના કરતા કોઈને કામ આવે: આ તબક્કે પરિતોષ ભટ્ટે જણાવ્યું હતું કે, મૃત્યુ બાદ દેહમાં કશું જ હોતું નથી અને દેહ પંચમહાભૂતમાં વિલીન થાય છે. ત્યારે આપણે આપણું શરીર કોઈકના કામે આવી જાય તો ઘણું છે અને એ માટે જ એમના માતાએ દેહદાનનો સંકલ્પ કર્યો હતો. આ દેહમાંથી મેડિકલના વિદ્યાર્થીઓને ઘણું શીખવાનું મળશે એમ તેમણે કહ્યું હતું. સાથે જ તેમણે પોતે પણ ચક્ષુદાન કરશે એવો સંકલ્પ કર્યો હતો.
જયશ્રીબેનના ચક્ષુદાનને કારણે બે લોકોનુ અંધકાર મુક્ત જીવન બનશે: જયશ્રીબેન ભટ્ટના મૃત્યુ બાદ તેમના પુત્ર દ્વારા કરવામાં આવેલા દેહદાન અને ચક્ષુદાનના સંકલ્પ બાદ તેઓએ જયશ્રીબેનની બોડીને વલસાડ સિવિલ હોસ્પિટલને સુપ્રત કરી હતી. જે બાદ તેમના દ્વારા કરવામાં આવેલા ચક્ષુદાનને લઈ બે વ્યક્તિની જિંદગીમાં અંધકાર દૂર થશે. આમ બે વ્યક્તિઓને આંખ મળતા બંને વ્યક્તિઓ પોતાની જિંદગીમાં દ્રષ્ટિ મેળવી શકી છે.
આમ જો દરેક વ્યક્તિ મૃત્યુ બાદ ઓર્ગન ડોનેટ કે દેહદાન અને ચક્ષુદાન કરે તો મૃત્યુ બાદ પણ અનેક લોકોને નવજીવન મળી શકે છે. જયશ્રીબેનના મૃત્યુ બાદ દેહદાન કરવાના સંકલ્પ પૂર્ણ થતા ભાવિ ડોક્ટરોને ઘણું બધું શીખવા મળી શકે તેમ છે.