ગીર સોમનાથ : શ્રાવણ મહિનો આગળ વધી રહ્યો છે, ત્યારે સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિના દરમિયાન મહાદેવને વિવિધ શૃંગાર કરીને શિવભક્તોને મહાદેવના અનેરા દર્શન થાય તે માટે પણ પ્રયાસ કરાઈ રહ્યા છે. આજે વિનાયક ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવને ગણપતિ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરીને શિવભક્તો ભાવ વિભોર બન્યા હતા.
ગણપતિ દર્શન શૃંગાર : જેમ જેમ શ્રાવણ મહિનો આગળ વધતો જાય છે, તેમ તેમ શિવ ભક્તો ધર્મ ભક્તિના ભાવમાં ગળાડુબ બની રહ્યા છે. ત્યારે આજે વિનાયક ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવને ગણપતિ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરીને શિવભક્તોએ ભારે ધન્યતા અનુભવી હતી.
પિતા-પુત્રના એક સાથે દર્શન : ગણપતિ દર્શન શૃંગારમાં મંદિરના પંડિતો દ્વારા વિવિધ પુષ્પો અને ચંદનનો ઉપયોગ કરીને મહાદેવને ગણપતિ દર્શન શૃંગાર દ્વારા શોભાયમાન કરવામાં આવ્યા હતા. પિતા-પુત્રના એક સાથે દર્શન કરવાથી દરેક કાર્યમાં શિવભક્તોને સફળતા અપાવે છે, તો શિવપુત્ર ગણપતિ અષ્ટસિદ્ધિ અને નવનિધિના આશીર્વાદ પણ આપતા હોય છે.
સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિના દરમિયાન મહાદેવને વિવિધ શૃંગાર કરવામાં આવે છે. શ્રાવણ મહિનામાં સોમનાથ મહાદેવ મંદિરમાં એક સાથે પિતા અને પુત્રના દર્શન કરીને શિવભક્તો પણ ધન્ય થયા હતા.